નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં ગણપતિ વિસર્જન દરમિયાન પથ્થરમારો થવાની ઘટના સામે આવી છે. ગણપતિ વિસર્જન દરમિયાન મંગળવારે મોડી રાત્રે આ વિસ્તારની હિન્દુસ્તાની મસ્જિદ પાસે રાખવામાં આવેલી ભગવાન ગણેશની મૂર્તિ પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે મૂર્તિ તૂટી ગઈ હતી. આ પછી લોકોએ સ્થળ પર હંગામો શરૂ કર્યો હતો. પોલીસે આ કેસમાં કાર્યવાહી કરી અનેક લોકોની ધરપકડ કરી હતી.
DCP અને ACP ભારે પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી
ટોળાએ એક યુવકને પકડીને માર માર્યો હતો અને તેને પોલીસને હવાલે કર્યો હતો. તુટેલી પ્રતિમા અંગે લોકો માંગ કરી રહ્યા હતા કે જ્યાં સુધી પોલીસ તમામ પથ્થરબાજોને નહીં પકડે ત્યાં સુધી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે નહીં. ઘટનાની જાણ થતાં જ મંડળના કેટલાક વધુ લોકો ત્યાં પહોંચી ગયા અને જય શ્રી રામના નારા લગાવવા લાગ્યા હતાં. જ્યારે સ્થિતિ વણસતી જોઈ DCP અને ACP ભારે પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.
અહીં વર્ષોથી પરંપરાગત રીતે દર વર્ષે આવું થતું આવ્યું છે
આ મામલાને લઈને થાણેના એડિશનલ કમિશનર ડૉ. જ્ઞાનેશ્વર ચવ્હાણે કહ્યું કે, મોહલ્લા મોહલ્લા કમિટી અને પોલીસ ભિવંડી શહેરના વંજારપટ્ટી નાકા પર સ્થિત હિન્દુસ્તાની મસ્જિદની બહાર મંડપ બનાવીને ગણેશ મંડળનું સ્વાગત કરતી હતી. અહીં વર્ષોથી પરંપરાગત રીતે દર વર્ષે આવું થતું આવ્યું છે. રાત્રે લગભગ 12 વાગે ભક્તો મૂર્તિ વિસર્જન માટે ઘુઘાટ નગરથી કમવારી નદીમાં લઈ જઈ રહ્યા હતાં. ગણેશ મૂર્તિ વણજરપટ્ટી નાકા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે પથ્થરમારો થયો હતો. જેના કારણે મૂર્તિ તૂટી ગઈ હતી. આ પછી બંને સમુદાયના યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ તણાવ વધી ગયો હતો.
જો કોઈને કોઈ માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી
તેમણે વધુમાં કહ્યું કે, ત્યાં હાજર પોલીસ અધિકારીએ વિસર્જન માટે એકત્ર થયેલી ભીડને વિખેરી નાખી હતી. આવી પ્રવૃતિમાં સંડોવાયેલા તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભિવંડીના લોકોને અહીં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાની અપીલ છે. કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપો. જો કોઈને કોઈ માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. આ બાબતે કોઈએ ખોટો સંદેશો ન ફેલાવવો જોઈએ. સ્થળ પર કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. કેસની તપાસ ચાલી રહી છે.

