Homeગુજરાતીજીવનશૈલીફાસ્ટ ફેશનનો ખતરો: દર વર્ષે પેદા થાય છે 9.2 કરોડ ટન ટેક્સટાઇલ...

ફાસ્ટ ફેશનનો ખતરો: દર વર્ષે પેદા થાય છે 9.2 કરોડ ટન ટેક્સટાઇલ વેસ્ટ

“આજે શું પહેરું?” ઑફિસે જવાની ઉતાવળમાં એક યુવતીએ કબાટ ખોલ્યો કે તરત જ બધા કપડાં તેની ઉપર પડી ગયા. જીન્સ, ટૉપ, કુર્તા અને ટ્રાઉઝર્સથી કબાટ છલોછલ ભરેલો છે, છતાં મન ભારે છે કે પહેરવા માટે કંઈ છે જ નહીં અથવા તો અસમંજસ છે કે શું પસંદ કરવું. ઉતાવળમાં તેણે એક જૂનો કુર્તો કાઢ્યો અને પહેરી લીધો. સાંજે મોબાઈલ પર ઓનલાઈન સેલનું નોટિફિકેશન આવે છે અને નવું ટૉપ જોઈને તે તરત જ તેને કાર્ટમાં ઉમેરી દે છે. આ માત્ર એક યુવતીની વાત નથી, પણ આજની પેઢીની લગભગ દરેક યુવતી આ સમસ્યા અનુભવી રહી છે. જરૂરિયાત કરતાં વધુ કપડાં, ફેશન, ટ્રેન્ડ, સેલ અને ઓનલાઈન શૉપિંગના કારણે આપણા કબાટ હવે માત્ર કપડાંથી નહીં, પણ સમસ્યાઓથી ભરાઈ રહ્યા છે.

ફાસ્ટ ફેશન એટલે કે એવા કપડાં જેનો ટ્રેન્ડ જેટલી ઝડપથી આવે છે તેટલી જ ઝડપથી ગાયબ થઈ જાય છે. બજારમાં કોઈ નવો ટ્રેન્ડ આવ્યો કે તરત જ ઓનલાઈન-ઓફલાઈન બધે જ તેવા કપડાં જોવા મળે છે. વળી, કિંમત ઓછી હોવાથી ખરીદવું પણ સરળ બને છે. ઓનલાઈન શૉપિંગે તેમાં ‘સોનામાં સુગંધ’ જેવું કામ કર્યું છે કે બસ ફોન ઉઠાવ્યો, જોયું અને ઑર્ડર થઈ ગયો. ઘણીવાર તો એવું બને છે કે આપણે ફોન પર બીજું કોઈ કામ કરી રહ્યા હોઈએ, પરંતુ ‘70 ટકા ઑફ’ કે ‘લિમિટેડ ટાઇમ ઑફર’ જોઈને આપણે કામ ભૂલી જઈને ડિસ્કાઉન્ટેડ પીસ ખરીદી લઈએ છીએ, પછી ભલે તેની જરૂરિયાત હોય કે ન હોય. આ જ કારણ છે કે કપડાં ખરીદવા અને તેને પહેરવાની વચ્ચેનો સમય સતત ઘટતો જાય છે. યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) મુજબ, વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૫ વચ્ચે કપડાંનું ઉત્પાદન બમણું થઈ ગયું છે, પરંતુ લોકો હવે અગાઉની સરખામણીમાં કપડાં ઓછા સમય માટે પહેરે છે એટલે કે તેને રિપીટ કરવાનું ટાળે છે.

  • દર વર્ષે 9.2 કરોડ ટન કપડાંનો કચરો

આ અતિશય ખરીદીની મોટી અસર પર્યાવરણ પર પડી રહી છે. દુનિયાભરમાં દર વર્ષે આશરે 9.2 કરોડ ટન ટેક્સટાઇલ વેસ્ટ (કપડાંનો કચરો) પેદા થાય છે. એટલે કે દર સેકન્ડે એક કચરાના ટ્રક જેટલા કપડાં લેન્ડફિલ (કચરાના ડમ્પિંગ યાર્ડ) માં અથવા તો સળગાવવા માટે જાય છે. વાત માત્ર જૂના કપડાંની નથી, પણ જે કપડાં ઓછા પહેરાય છે, જલદી જૂના લાગે છે કે ટ્રેન્ડની બહાર થઈ જાય છે, તે પણ આ જ કચરામાં સામેલ થાય છે. કબાટમાં જગ્યા ઓછી થવાની આ સમસ્યા હવે ધીમે ધીમે શહેરો માટે કચરાની મોટી સમસ્યા બનતી જઈ રહી છે.

દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર અને શિમલા સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ સ્ટડીઝના ફેલોના જણાવ્યા અનુસાર, “કચરો એક એવી વસ્તુ છે જેની જવાબદારી ન તો કંપનીઓએ લીધી છે કે ન તો સરકારે. ન તો કંપનીઓએ તેના નિકાલ માટે કોઈ સુવિધા રાખી છે.” તેમણે ઉમેર્યું કે આપણને બાળપણમાં ક્યારેય એવું નથી શીખવાડવામાં આવ્યું કે કચરો આપણી જવાબદારી છે. જો કંપનીઓનું ઉત્પાદન વધશે તો કચરો પણ વધશે જ. સરકારે વેસ્ટ મેનેજમેન્ટ માટે અલગ વિભાગ બનાવવો જોઈએ. વેસ્ટ મેનેજમેન્ટની ટેકનિક મોંઘી છે જે સામાન્ય માણસ જાતે નથી કરી શકતો અને અમીર લોકો તેમાં પડવા માગતા નથી કારણ કે ‘કચરો’ શબ્દ સાંભળતા જ તે પ્રતિષ્ઠિત નથી લાગતો.

  • એક ડ્રેસ માત્ર કપડું નથી

એક કપડું તૈયાર થવા માટે અનેક તબક્કાઓમાંથી પસાર થાય છે. ફાઇબર તૈયાર થાય છે, કાપડ બને છે, રંગાઈ થાય છે, સિલાઈ થાય છે અને પછી પેક થઈને દુકાન કે આપણા ઘર સુધી પહોંચે છે. આ સમગ્ર પ્રક્રિયામાં પુષ્કળ પાણી અને ઊર્જાનો વપરાશ થાય છે. UNEP કહે છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી દર વર્ષે 86 મિલિયન ઓલિમ્પિક કદના સ્વિમિંગ પૂલ જેટલા પાણીનો ઉપયોગ કરે છે.

વિશ્વમાં થતા કુલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો હિસ્સો આશરે 2 થી 8 ટકા જેટલો છે. કપડાંમાં વપરાતા સિન્થેટિક ફાઇબર પણ ચિંતાનો મોટો વિષય છે. વર્ષ 2023માં દુનિયાના માત્ર 8 ટકા જેટલા ટેક્સટાઇલ ફેબ્રિક જ રિસાયકલ કરેલા સ્રોતોમાંથી આવ્યા હતા.

  • રિસાયકલ કરવું પણ આસાન નથી

આપણામાંથી ઘણાને એવું લાગતું હોય છે કે જૂના કપડાં રિસાયકલ થઈ જશે અને સમસ્યા હલ થઈ જશે. પરંતુ દરેક કપડું સરળતાથી નવું કપડું બની શકતું નથી. અલગ-અલગ ફેબ્રિક, રંગ, ડિઝાઈન અને કપડાંમાં વપરાતી અન્ય વસ્તુઓ રિસાયકલિંગને અત્યંત મુશ્કેલ બનાવે છે. ‘ટેક, મેક એન્ડ વેસ્ટ’ (ખરીદો, બનાવો અને ફેંકી દો) ના સિદ્ધાંતને ખતમ કરવા માટે કામ કરતી ઇન્ટરનેશનલ ચેરિટી ‘એલેન મેકઆર્થર ફાઉન્ડેશન’ કહે છે કે કપડાંમાં વપરાતી સામગ્રીનો ૧ ટકાથી પણ ઓછો હિસ્સો નવા કપડાં બનાવવા માટે ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે.

  • આપણા માટે વાસ્તવમાં કેટલા કપડાં જરૂરી છે?

ફાસ્ટ ફેશનની અસર ઓછી કરવાનો અર્થ એ નથી કે તમારા માટે નવા કપડાં ખરીદવા ખોટા છે. મોટો સવાલ એ છે કે શું આપણે ખરેખર જરૂરિયાત માટે ખરીદી રહ્યા છીએ કે પછી એટલા માટે કે તે સેલમાં છે અને ફેશનમાં છે? ઘણા લોકો એવો દેખાવ કરે છે કે તેઓ કપડાં રિપીટ કરતા નથી. પરંતુ કોઈપણ કપડાંને રિપીટ કરવું, તેની યોગ્ય કાળજી લેવી, જરૂર ન હોય ત્યારે કોઈ જરૂરિયાતમંદને આપી દેવું, જૂના કપડાંનો પુનઃઉપયોગ કરવો અને ખરીદતા પહેલા એક વિચાર કરવો – આ બધી બાબતો કપડાંની આયુષ્ય લંબાવી શકે છે.

વાત માત્ર તમારા કબાટમાં પડેલા કપડાંની ગણતરીની નથી, પણ તે કેટલા ઉપયોગમાં લેવાઈ રહ્યા છે અને કેટલી જગ્યા રોકી રહ્યા છે તેની છે. એટલા માટે, આગલી વખતે જ્યારે તમે ઓનલાઈન સેલમાં ‘બાય નાઉ’નું બટન દબાવો, ત્યારે ચોક્કસ વિચારજો કે શું આ વસ્તુ મારી પાસે પહેલેથી જ નથી ને? અથવા તો તેની ખરેખર કેટલી જરૂરિયાત છે?

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular