1. Home
  2. ગુજરાતી
  3. હાઈવે પર ટોલ પ્લાઝાની માથાકૂટનો આવશે અંત, 80ની સ્પીડે દોડતી ગાડીમાંથી આપોઆપ કપાશે ટેક્સ
હાઈવે પર ટોલ પ્લાઝાની માથાકૂટનો આવશે અંત, 80ની સ્પીડે દોડતી ગાડીમાંથી આપોઆપ કપાશે ટેક્સ

હાઈવે પર ટોલ પ્લાઝાની માથાકૂટનો આવશે અંત, 80ની સ્પીડે દોડતી ગાડીમાંથી આપોઆપ કપાશે ટેક્સ

0
Social Share

નવી દિલ્હી: દેશભરના નેશનલ હાઈવે પર મુસાફરી કરનારા લોકો માટે રાહતના સમાચાર છે. ટોલ પ્લાઝા પર લાગતી વાહનોની લાંબી કતારો અને બેરિયર સિસ્ટમમાંથી ટૂંક સમયમાં મુક્તિ મળશે. કેન્દ્ર સરકાર હવે મલ્ટી-લેન ફ્રી-ફ્લો (એમએલએફએફ) ટોલ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે, જેમાં વાહનોને થોભ્યા વગર જ ટોલ ટેક્સ ચૂકવવાની સુવિધા મળશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં આ આધુનિક વ્યવસ્થા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. દેશમાં આ નવી ક્રાંતિકારી વ્યવસ્થાની શરૂઆત ગુજરાતના ચોર્યાસી ટોલ પ્લાઝાથી કરવામાં આવી રહી છે. આ ટોલ પ્લાઝાને દેશનો પ્રથમ ‘બાધા-રહિત’ (બેરિયર-ફ્રી) ટોલ પ્લાઝા બનાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, હરિયાણાના ઘરૌંડા ટોલ પ્લાઝા પર પણ આઈસીઆઈસીઆઈ સાથે મળીને આ સિસ્ટમ લાગુ કરવા કરાર કરવામાં આવ્યા છે.

  • નવી પ્રણાલી સંપૂર્ણપણે AI અને ટેકનોલોજી પર આધારિત હશે

આ નવી પ્રણાલી સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને ટેકનોલોજી પર આધારિત હશે. હાઈવે પર લેનની ઉપર ગેન્ટ્રી સિસ્ટમ લગાવવામાં આવશે, જેમાં ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન કેમેરા હશે. આ કેમેરા વાહનની નંબર પ્લેટ અને ફાસ્ટેગને હાઈ સ્પીડ પર સ્કેન કરી લેશે. 80 કિમી/કલાકની ઝડપે દોડતા વાહનોનો ટેક્સ પણ સેકન્ડોમાં જ ખાતામાંથી કપાઈ જશે. વાહનને ટોલ પર ઉભું રાખવાની કે ગતિ ધીમી કરવાની જરૂર નહીં પડે.

સરકારનો દાવો છે કે વર્ષ 2026 સુધીમાં આ સિસ્ટમ મોટાભાગના હાઈવે પર કાર્યરત થઈ જશે. તેનાથી ટોલ પર કતારો નહીં હોવાથી સમય અને પેટ્રોલ-ડીઝલનો બચાવ થશે. હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા હલ થશે અને ટોલ વસૂલાત વધુ સચોટ બનશે. જીએનએસએસ અને એઆઈ આધારિત આ સિસ્ટમ ભારતીય હાઈવે મુસાફરીને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવશે.

વર્તમાનમાં NHAI દ્વારા દેશમાં 1,087 થી વધુ ટોલ પ્લાઝાનું સંચાલન કરવામાં આવે છે, જે 1.5 લાખ કિલોમીટરના નેટવર્કને કવર કરે છે. રાજ્યવાર જોઈએ તો રાજસ્થાનમાં 156, ઉત્તર પ્રદેશમાં 97, મધ્યપ્રદેશમાં 90 અને મહારાષ્ટ્રમાં 89 ટોલ પ્લાઝા કાર્યરત છે. ચાલુ નાણાકીય વર્ષમાં NHAI અંદાજે 25 જેટલા મુખ્ય નેશનલ હાઈવે પર આ મલ્ટી-લેન ફ્રી ફ્લો સિસ્ટમ લાગુ કરવાનું આયોજન કરી રહી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code