દહેરાદૂન, 28 સપ્ટેમ્બર 2026: ઉત્તરાખંડમાં સતત થઈ રહેલા ભારે વરસાદ વચ્ચે કેદારનાથ પગપાળા યાત્રા માર્ગ પર મોડી સાંજે એક મોટો અકસ્માત સર્જાયો હતો. ચિરબાસા નજીક પહાડ પરથી અચાનક કાટમાળ અને પથ્થરો પડતાં તેની લપેટમાં આવી જવાથી પાંચ વર્ષના બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ટ્રેકિંગ રૂટ પર વાહનવ્યવહાર અને અવરજવર ખોરવાઈ ગઈ હતી, જેના પછી રસ્તામાં ફસાયેલા શ્રદ્ધાળુઓને સુરક્ષિત બહાર કાઢવા માટે મોટું બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના જણાવ્યા અનુસાર, ચિરબાસા નજીક પહાડ પરથી અચાનક પથ્થરો પડવાની માહિતી પોલીસ કંટ્રોલ રૂમને મળી હતી. આ દુર્ઘટનામાં ઉત્તર પ્રદેશના એટાના રહેવાસી રોહતાશ યાદવના પાંચ વર્ષના પુત્ર યશનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ તૈનાત રેસ્ક્યૂ ટીમે બાળકના પાર્થિવ દેહને પાલખી દ્વારા જંગલચટ્ટી સ્થિત એમઆરપી ભૈરવ મંદિર સુધી પહોંચાડ્યો હતો.
પથ્થરો અને કાટમાળ પડવાને કારણે ચિરબાસા નજીક કેદારનાથ પગપાળા માર્ગ પર વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. રસ્તામાં ફસાયેલા યાત્રીઓને બહાર કાઢવા માટે બચાવ ટુકડીઓ રાતભર અભિયાનમાં વ્યસ્ત રહી હતી. અહેવાલો મુજબ, અત્યાર સુધીમાં 1,200થી વધુ યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ કેટલાક યાત્રીઓ માર્ગમાં ફસાયેલા હોવાથી તેમને સલામત સ્થળે પહોંચાડવા માટે રેસ્ક્યૂ ટીમો સતત કામ કરી રહી છે. ચિરબાસા વિસ્તારમાં પહાડી પરથી અવારનવાર પથ્થરો પડવાનો ભય રહેતો હોવાથી વહીવટીતંત્રે યાત્રીઓને અત્યંત સાવચેતી રાખવા અપીલ કરી છે.
-
ભારે વરસાદના કારણે ચારધામ યાત્રા અટકાવાઈ
ઉત્તરાખંડમાં ખરાબ હવામાનના કારણે ચારધામ યાત્રાને સ્થગિત કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા દેહરાદૂન, ટિહરી, પૌડી અને હરિદ્વાર માટે રેડ એલર્ટ તેમજ ચમોલી, નૈનીતાલ, રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ સિવાય ગંગા નદીની જળસપાટી વધવાને કારણે ઋષિકેશમાં રાફ્ટિંગ પ્રવૃત્તિઓ પર પણ અટકાવી દેવામાં આવી છે. હવામાનની ગંભીર સ્થિતિને જોતાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓને હાઈ એલર્ટ પર રહેવા અને યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. વહીવટીતંત્રે હવામાન સાફ ન થાય ત્યાં સુધી જોખમી માર્ગો પર બિનજરૂરી મુસાફરી ન કરવા વિનંતી કરી છે.


