ન્યૂયોર્ક, 18 ઓગસ્ટ 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતની ચૂંટણી પ્રણાલી અને મતદાર ઓળખ કાર્ડ વ્યવસ્થાની મુક્ત કંઠે પ્રશંસા કરવામાં આવી છે. ટ્રમ્પે ભારતીય ચૂંટણી પદ્ધતિનું ઉદાહરણ આપીને અમેરિકામાં પણ સમાન અને કડક ચૂંટણી નિયમો લાગુ કરવા પર ભાર મૂક્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ શેર કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથેની તાજેતરની વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે જણાવ્યું કે, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરે તેમની વહીવટી ટીમ સમક્ષ સવાલ ઉઠાવ્યો હતો કે, “માન્ય ફોટો આઈડી વગર અમેરિકામાં ચૂંટણી કેવી રીતે યોજાઈ શકે?” ભારતીય લોકશાહીના વખાણ કરતા ટ્રમ્પે જણાવ્યું કે, ભારતમાં તાજેતરની ચૂંટણીઓમાં 64 કરોડ 60 લાખ થી વધુ મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં પોસ્ટલ બેલેટનો ઉપયોગ 1 ટકા કરતા પણ ઓછો હતો અને દરેક મતદાર માટે માન્ય ફોટો ઓળખ દસ્તાવેજ અનિવાર્ય હતો.
ભારતની ચૂંટણી વ્યવસ્થાથી પ્રભાવિત થઈને ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી કોંગ્રેસને ‘સેવ અમેરિકા એક્ટ’ વહેલી તકે પસાર કરવા તાકીદ કરી છે. આ પ્રસ્તાવિત કાયદા હેઠળ અમેરિકામાં મતદાન કરવા માટે નાગરિકતાનો પુરાવો અને ફોટો ઓળખ કાર્ડ અનિવાર્ય બનાવવાની જોગવાઈ છે. વ્હાઇટ હાઉસે પણ ચૂંટણી સુરક્ષાના મામલામાં ભારતની પ્રશંસા કરી છે અને જણાવ્યું છે કે ભારત અને બ્રાઝિલ જેવા દેશો મતદાર ઓળખને બાયોમેટ્રિક ડેટાબેઝ સાથે જોડે છે, જ્યારે અમેરિકામાં આ બાબતે કડક સુરક્ષા કવચનો અભાવ છે.

