બંગાળની ખાડીમાં રોહિંગ્યા શરણાર્થીઓની બે બોટ પલટી: 500થી વધુ લોકો દરિયામાં ડુબ્યાની આશંકા
ઢાકા, 16 જુલાઈ 2026: મ્યાનમારના રખાઈન રાજ્ય અને બાંગ્લાદેશના શરણાર્થી શિબિરોમાંથી દરિયાઈ માર્ગે પલાયન કરી રહેલા રોહિંગ્યા સમુદાયના લોકો સાથે એક મોટી અને દર્દનાક દુર્ઘટના ઘટી છે. બંગાળની ખાડીમાં રોહિંગ્યા શરણાર્થીઓથી ભરેલી બે બોટો ડૂબી જતાં 500 થી વધુ લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી હાઈકમિશનર અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંસ્થા દ્વારા આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
-
ચોમાસાના તોફાની દરિયામાં જોખમી પ્રવાસ
મળતી માહિતી મુજબ, આ બંને બોટો જૂનના અંતમાં મ્યાનમારના પશ્ચિમ કિનારેથી રવાના થઈ હતી. જેમાંથી એક બોટ (જેમાં 250 લોકો સવાર હતા) નો સંપર્ક અધવચ્ચે જ તૂટી ગયો હતો, જ્યારે બીજી 280 મુસાફરો વાળી બોટ 8 જુલાઈના રોજ મ્યાનમારના અય્યારવાડી તટ નજીક ડૂબી ગઈ હતી. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન દરિયો તોફાની હોવાને કારણે આવી યાત્રાઓ ટાળવામાં આવે છે, પરંતુ મ્યાનમારમાં વધતા અત્યાચાર અને બાંગ્લાદેશના કેમ્પની દયનીય સ્થિતિને કારણે આ લોકોએ જીવનું જોખમ ખેડ્યું હોવાનું મનાય છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2025 પણ રોહિંગ્યાઓ માટે સૌથી ઘાતક રહ્યું હતું, જેમાં 6500 થી વધુ લોકોએ પલાયન કર્યું હતું અને 900 જેટલા લોકોના મોત નિપજ્યા હતા.


