વડોદરા, 16 જુલાઈ, 2026 : Accident involving four vehicles on Vadodara’s Fatehgunj Bridge શહેરના ટ્રાફિકથી વ્યસ્ત ગણાતા ફતેગંજ બ્રિજ પર પૂર ઝડપે જતા એક વાહનચાલકે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવી રહેલા વાહનો એકબીજા સાથે અથડાયા હતા.એક પછી એક ચાર વાહનો વચ્ચે શ્રેણીબદ્ધ અકસ્માત સર્જાતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે બ્રિજ પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માતનો ભોગ બનેલા તમામ વાહનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતુ.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના ટ્રાફિકથી વ્યસ્ત ગણાતા ફતેગંજ બ્રિજ પર પૂર ઝડપે જતા એક વાહનચાલકે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવી રહેલા વાહનો એકબીજા સાથે અથડાયા હતા. ચોમાસાની ઋતુમાં ભીના રસ્તાઓ પર વાહનો સ્લિપ થવાની સંભાવના વધી જતી હોવાથી વાહનચાલકોને ગતિ મર્યાદિત રાખવા વારંવાર અપીલ કરવામાં આવે છે, તેમ છતાં આવા અકસ્માતો અટકી રહ્યા નથી. ફતેગંજ બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક ભારે માલવાહક વાહનના ચાલકે અચાનક જ રસ્તાની વચ્ચે બ્રેક મારી દીધી હતી. બ્રિજ પર ગતિમાં આવી રહેલા ચાર વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આમ, કુલ ચાર વાહનો વચ્ચે થયેલી આ ટક્કર એટલી જોરદાર હતી કે તમામ વાહનોના આગળ અને પાછળના ભાગોને ભારે નુકસાન થયું હતું.
આ અકસ્માકને લીધે અન્ય વાહનચાલકો અને આજુબાજુના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને વાહનોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ અકસ્માતને કારણે હાઇવે અને શહેરના આંતરિક વિસ્તારોને જોડતા ફતેગંજ બ્રિજ પર વાહનોના પૈડાં થંભી ગયા હતા. ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતાં ટ્રાફિક પોલીસ અને કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને બ્રિજ પરથી હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો. જો કે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.


