લખનૌ, 21 સપ્ટેમ્બર 2026: ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી અગાઉ રાજકીય ગરમાવો વધી ગયો છે અને રસ્તાઓ પર ‘પોસ્ટર વોર’ શરૂ થઈ ગયું છે. આ વખતે સમાજવાદી પાર્ટી (સપા) અને તેના વડા અખિલેશ યાદવ વિરોધીઓના સીધા નિશાના પર આવ્યા છે. લખનૌ સહિત રાજ્યના અનેક શહેરોમાં એવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં અખિલેશ યાદવના મુખ્યમંત્રી કાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા માફિયાઓના કથિત પ્રભાવ પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ પોસ્ટરો પર મોટા અક્ષરે લખવામાં આવ્યું છે- *”આઝમ, અતીક અને મુખ્તાર, યહી ચલાતે થે સરકાર”.
અન્ય એક નારામાં લખાયું છે- “અખિલેશ કે માફિયા, માફિયા કે અખિલેશ”. આ પોસ્ટરોમાં અતીક અહેમદ, મુખ્તાર અંસારી, આઝમ ખાન, યાકુબ કુરેશી અને અનિલ દુજાના જેવા ચર્ચિત નામોને વિસ્તાર મુજબ જોડીને ‘એક જિલ્લો, એક માફિયા’ જેવો નારો પણ આપવામાં આવ્યો છે. જોકે, આ પોસ્ટરો કયા સંગઠન કે વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યા છે તેની અધિકૃત પુષ્ટિ થઈ નથી, પરંતુ સપાને તેના અગાઉના શાસનકાળ અને કાયદા-વ્યવસ્થાના મુદ્દે ઘેરવાની તૈયારી સ્પષ્ટ દેખાઈ રહી છે.
લખનૌના ચાર રસ્તાઓ, ઉન્નાવના માર્ગો, ઇટાવા, સીતાપુર, બરેલી, મેરઠ, આઝમગઢ અને ગાજીપુર સુધી અચાનક જ આવા પોસ્ટરો જોવા મળતા રાજકારણ ગરમાયું છે. પોસ્ટરો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન રાજ્યમાં ગુનેગારો અને બાહુબલીઓનો પ્રભાવ હતો.
-
રોષે ભરાયેલા સપા નેતાઓએ પોસ્ટરો ફાડી નાખ્યા
મુરાદાબાદ સહિત અનેક સ્થળોએ આવા પોસ્ટરો વિરુદ્ધ સપાના કાર્યકરો અને નેતાઓએ મોરચો સંભાળ્યો હતો. સપાના જિલ્લા પ્રમુખ જયવીર સિંહ યાદવ અને કાર્યકરોએ પોતે થાંભલા પર ચડીને આ પોસ્ટરો ફાડી નાખ્યા હતા. સપા નેતાઓનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી ‘PDA’ (પછાત, દલિત, અલ્પસંખ્યક) ના વધી રહેલા જનાધારથી ગભરાઈ ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર મોંઘવારી, બેરોજગારી અને પેપર લીક જેવા વાસ્તવિક મુદ્દાઓ પરથી જનતાનું ધ્યાન હટાવવા માટે આ પ્રકારની હલકી રાજનીતિ અને પોસ્ટરબાજીનો સહારા લઈ રહી છે.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી હજુ દૂર છે, પરંતુ રાજકીય સંગ્રામની શરૂઆત થઈ ચૂકી છે. અતીક, મુખ્તાર અને આઝમ ખાનના નામોનો ઉપયોગ કરીને અખિલેશ યાદવના શાસનકાળને નિશાન બનાવવાનો હેતુ સંપૂર્ણપણે રાજકીય છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં સમાજવાદી પાર્ટી આ અનામી પોસ્ટરોનો જવાબ પોસ્ટરથી આપે છે કે નહીં.


