Homeગુજરાતીદેશ-વિદેશઇટાલીમાં પણ સ્કૂલોમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી: મેલોની સરકાર...

ઇટાલીમાં પણ સ્કૂલોમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી: મેલોની સરકાર લાવશે નવો કાયદો

રોમ, 21 સપ્ટેમ્બર 2026: ઇટાલી પણ હવે યુરોપના એવા દેશોની યાદીમાં સામેલ થવા જઈ રહ્યું છે જ્યાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ છે. દેશના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ શાળાઓમાં ચહેરો ઢાંકતા પરિધાનો જેવા કે બુરખા અને નકાબ પર પ્રતિબંધ લગાવવાની યોજનાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, વર્ગખંડમાં વિદેશી વિદ્યાર્થીઓની મહત્તમ સંખ્યા સીમિત કરવા અને દેશની સંસ્કૃતિ કે ભાષા સમજવામાં મુશ્કેલી અનુભવતા વિદેશી વિદ્યાર્થીઓના વાલીઓ માટે ઇટાલિયન ભાષા શીખવી ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ પણ લાવવામાં આવી રહ્યો છે.

રવિવારે પોતાની પાર્ટી ‘બ્રધર્સ ઓફ ઇટાલી’ના યુવા સંગઠનના એક કાર્યક્રમમાં મેલોનીએ જણાવ્યું હતું કે, “આ ઉપાયો સંબંધિત પ્રસ્તાવ ટૂંક સમયમાં કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે. ઇટાલી આવતા લોકોએ દેશની ભાષા શીખવી, સંસ્કૃતિને સમજવી અને કાયદાઓનું સન્માન કરવું જોઈએ.” પ્રસ્તાવિત નિયમો ખાસ કરીને શાળાઓમાં સંપૂર્ણ ચહેરો ઢાંકતા પોશાક પર રોક લગાવવા સંબંધિત છે. ઉલ્લેખનીય છે કે બુરખા અને નકાબમાં ચહેરો ઢંકાયેલો રહે છે, જ્યારે હિજાબમાં માત્ર માથું અને ગરદન ઢંકાય છે પણ ચહેરો ખુલ્લો રહે છે. મેલોનીની જાહેરાતમાં માત્ર બુરખા અને નકાબનો ઉલ્લેખ કરાયો છે.

ઇટાલીની શાળાઓમાં હાલમાં વિદેશી નાગરિક વિદ્યાર્થીઓની સંખ્યા કુલ નોંધણીના આશરે 11.6 ટકા જેટલી છે. 2010ની એક વહીવટી વ્યવસ્થા મુજબ ગેર-ઇટાલિયન વિદ્યાર્થીઓ માટે 30 ટકાની મર્યાદા અગાઉથી અસ્તિત્વમાં છે, જોકે તેનો બધી જગ્યાએ સંપૂર્ણ અમલ થઈ શક્યો નથી. હવે સરકાર કાનૂની મર્યાદા નક્કી કરવાની તૈયારીમાં છે. ઇટાલીમાં ૧૯૭૫ના એક કાયદા હેઠળ જાહેર સ્થળોએ ઓળખ છુપાવતા હેલમેટ કે કપડાં પર પ્રતિબંધ છે, પરંતુ દેશવ્યાપી સ્પષ્ટ બુરખા પ્રતિબંધ નહોતો. આ નવા પ્રસ્તાવને કાયદો બનાવવા માટે સંસદની મંજૂરી મેળવવી પડશે.

  • યુરોપના અન્ય દેશોની સ્થિતિ

યુરોપના ઘણા દેશોમાં જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા પર અગાઉથી જ પ્રતિબંધો અમલી છે…

ફ્રાન્સ અને બેલ્જિયમ: 2011 થી જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા પર વ્યાપક પ્રતિબંધ.
બુલ્ગારિયા (2016) અને ઓસ્ટ્રિયા (2017): સરકારી, વહીવટી અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રતિબંધ. ઓસ્ટ્રિયામાં સપ્ટેમ્બર 2026થી 14 વર્ષ સુધીની ગર્લ્સ સ્ટુડન્ટ્સ માટે ઇસ્લામિક પરંપરા મુજબ શિર ઢાંકવા પર પણ નવો નિયમ લાગુ થયો છે.
ડેનમાર્ક (2018) અને નેધરલેન્ડ્સ (2019): ડેનમાર્કમાં સંપૂર્ણ જ્યારે નેધરલેન્ડ્સમાં શાળાઓ, હોસ્પિટલો અને જાહેર પરિવહનમાં આંશિક પ્રતિબંધ.
સ્વિટ્ઝરલેન્ડ (2023) અને પોર્ટુગલ (ઓગસ્ટ 2026): જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા પર કાયદાકીય રોક.
જર્મની: દેશવ્યાપી સામાન્ય પ્રતિબંધ નથી, પરંતુ સરકારી કર્મચારીઓ, ન્યાયાધીશો, સૈન્ય કર્મચારીઓ અને કેટલીક શાળાઓ/યુનિવર્સિટીઓમાં પ્રતિબંધ અમલી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular