1. Home
  2. ગુજરાતી
  3. વેનેઝુએલા: વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1900ને પાર પહોંચ્યો
વેનેઝુએલા: વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1900ને પાર પહોંચ્યો

વેનેઝુએલા: વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1900ને પાર પહોંચ્યો

0
Social Share

ન્યૂયોર્ક,  જુલાઈ 2026: વેનેઝુએલામાં તાજેતરમાં આવેલા બે શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. વેનેઝુએલાની નેશનલ એસેમ્બલીના પ્રમુખ જોર્જ રોડ્રિગ્ઝે આપેલી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને 1,943 પર પહોંચ્યો છે, જ્યારે 10,000થી વધુ લોકો ઘાયલ થયા છે.

ભૂકંપની સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારે ‘સ્ટેટ ઓફ ઇમરજન્સી’ (કટોકટી) જાહેર કરી છે. રાહત અને બચાવ કામગીરી માટે સશસ્ત્ર દળોને તૈનાત કરવામાં આવ્યા છે. વિસ્થાપિત પરિવારો માટે આશ્રયસ્થાનો ઊભા કરવામાં આવ્યા છે અને મેડિકલ ટીમો દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.

ગયા બુધવારે 7.2 અને 7.5 ની તીવ્રતાના ભૂકંપ બાદ, સોમવારે સવારે ફરી એકવાર 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ લા ગુઆરા રાજ્યના દરિયાકાંઠે 10 કિમી દૂર હતું. આ આંચકાને કારણે રાજધાની કારાકાસ અને લા ગુઆરામાં લોકો ભયભીત થઈને રસ્તાઓ અને ખુલ્લા મેદાનોમાં આવી ગયા હતા. સદનસીબે, સોમવારના આ આંચકાથી કોઈ વધારાનું નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી.

વેનેઝુએલાની સરકારે લોકોને ક્ષતિગ્રસ્ત ઇમારતોથી દૂર રહેવા અને બચાવ ટીમોને સહકાર આપવા અપીલ કરી છે. રવિવાર સુધીમાં 774 ઈમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ હતી અથવા ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ હતી. કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવા માટે બચાવ દળ સતત પ્રયત્નો કરી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સંભવિત સુનામીના ખતરાને ધ્યાનમાં રાખીને સુરક્ષિત સ્થાનો પર ખસી જવા સૂચના આપવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code