ડિજિટલ ઈન્ડિયાએ સામાન્ય માણસના જીવનને અત્યંત સરળ બનાવ્યું: PM મોદી
નવી દિલ્હી, 1 જુલાઈ 2026: ભારતની પ્રગતિની ગાથામાં સીમાચિહ્નરૂપ ગણાતા ‘ડિજિટલ ઈન્ડિયા’ અભિયાનના આજે 11 વર્ષ પૂર્ણ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ પહેલે ભારતને વિશ્વભરમાં એક નવી ઓળખ અપાવી છે અને ‘વિકસિત ભારત’ના પાયાને મજબૂત બનાવ્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે છેલ્લા એક દાયકામાં ડિજિટલ ઈન્ડિયાએ સામાન્ય માણસના જીવનને અત્યંત સરળ બનાવ્યું છે. ડિજિટલ પેમેન્ટ્સ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સરકારી સેવાઓમાં પારદર્શિતા આવી છે. ટેકનોલોજીની લહેર હવે દેશના અંતરિયાળ ગામડાઓ અને ટાયર-2,3 શહેરો સુધી પહોંચી છે. યુવા ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ નવી સમસ્યાઓના ઉકેલ શોધી રહ્યા છે. આજે ભારત ડિજિટલ પેમેન્ટ અને ગવર્નન્સમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. ‘ઈન્ડિયા સ્ટેક’ હવે અન્ય દેશો માટે પણ આદર્શ બની રહ્યું છે. શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે સુધારા બાદ હવે ભારત AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ), સેમિકન્ડક્ટર્સ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવી આધુનિક ટેકનોલોજીમાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ભારતનું ધ્યાન એક એવા ભવિષ્યના નિર્માણ પર છે જ્યાં ટેકનોલોજી માનવતાની સેવા કરે અને ટકાઉ વિકાસને વેગ આપે. 11 વર્ષની આ સફળતા માત્ર આંકડા નથી, પરંતુ 140 કરોડ દેશવાસીઓના સંકલ્પ અને નવા ભારતના નિર્માણનું પ્રતીક છે.


