વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ અમૂલ અને ડેરી સેક્ટરની સફળતાને બિરદાવી
નવી દિલ્હી, 10 એપ્રિલ 2026: વડાપ્રધાન કાર્યાલય દ્વારા સોશિયલ મીડિયા પર એક મહત્વપૂર્ણ લેખ શેર કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ ભારતના સહકારી મોડેલના મુક્તકંઠે વખાણ કર્યા છે. બંગાએ ભારતના આ મોડેલને ‘સ્કેલેબલ ગ્રોથ’ એટલે કે સતત વિસ્તરતા વિકાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું છે અને રોજગારીના સર્જનને વિકાસ વ્યૂહરચનાનો મુખ્ય આધાર ગણાવ્યો છે.
પીએમઓ ઈન્ડિયા દ્વારા ‘એક્સ’ પર શેર કરવામાં આવેલા આ લેખમાં રોજગાર-આધારિત વિકાસના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. અજય બંગાએ જણાવ્યું હતું કે, વિકાસના પ્રયત્નો માત્ર વ્યક્તિગત પ્રોજેક્ટ્સ પૂરતા સીમિત ન રહેવા જોઈએ, પરંતુ તેનું લક્ષ્ય રોજગાર નિર્માણ અને આર્થિક તકો જેવા વ્યાપક પરિણામો પર હોવું જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “વિકાસ એ કોઈ દાન નથી, પરંતુ એક સુનિયોજિત વ્યૂહરચના છે.”
પોતાના અંગત અનુભવોને ટાંકતા અજય બંગાએ કહ્યું, “હું ભારતમાં ઉછર્યો છું અને મેં જોયું છે કે કેવી રીતે ડેરી સેક્ટર જેવી સહકારી સંરચનાઓ નાના ઉત્પાદકોને બજાર અને યોગ્ય ભાવ અપાવવામાં મદદ કરે છે.” તેમણે ટેકનોલોજી અને સંગઠનના માધ્યમથી ગ્રામીણ આજીવિકા સુધારવા અને નાના ઉત્પાદકો માટે બજારની પહોંચ વધારવા બદલ ભારતના ડેરી સહકારી મોડેલને વિશ્વ માટે રોલ મોડેલ ગણાવ્યું હતું.
વોશિંગ્ટનમાં વિશ્વ બેંક અને આઈએમએફની બેઠકો પહેલાં બંગાએ ચેતવણી આપી હતી કે, આગામી 15 વર્ષોમાં અંદાજે 1.2 અબજ યુવાનો વૈશ્વિક કાર્યબળમાં જોડાશે. આટલી મોટી સંખ્યામાં યુવાનો માટે રોજગાર પેદા કરવો એ એક મોટો પડકાર છે. તેમણે રોજગાર વધારવા માટે ત્રણ મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ, વ્યાપાર-અનુકૂળ શાસન સુધારા અને નાણાકીય સહાય સુધી સરળ પહોંચનો ઉલ્લેખ થાય છે.
બંગાએ ઉમેર્યું કે જો પૂરતી રોજગારીની તકો ઉભી કરવામાં નહીં આવે, તો તેનાથી વૈશ્વિક સ્તરે સ્થળાંતરનું દબાણ વધશે અને સામાજિક અસ્થિરતા સર્જાઈ શકે છે. તેમણે કૃષિ, આરોગ્ય સંભાળ, ઉત્પાદન અને પ્રવાસન જેવા ક્ષેત્રોને રોજગાર નિર્માણના મુખ્ય ચાલક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે જો લાખો લોકોને આશા અને સન્માન સાથે કામ નહીં મળે, તો તેની અસર સમગ્ર વિશ્વ પર પડશે.
આ પણ વાંચોઃ અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયો વિદેશ સચિવ વિક્રમ મિશ્રીને મળ્યા


