અંબાજી, 28 એપ્રિલ 2026: Congress wins in BJP stronghold Ambaji સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા અંબાજીમાં તાલુકા પંચાયતની મહત્વપૂર્ણ ત્રણ બેઠકો પર કોંગ્રેસે ભવ્ય જીત મેળવી છે. સ્થાનિક સ્તરે ઉભેલા અસંતોષને લઈને લોકોમાં નારાજગીનું આ પરિણામ છે.
અંબાજી વિસ્તાર પરંપરાગત રીતે ભાજપ માટે મજબૂત માનવામાં આવતો હતો. ખાસ કરીને અંબાજી કોરિડોર પ્રોજેક્ટને લઈને સ્થાનિકોમાં રહેલો રોષ આ પરિણામ પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. વિકાસના નામે થતી કામગીરીઓ દરમિયાન અનેક પરિવારોને સ્થળાંતર અથવા ઘરો ગુમાવવાની સ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને લોકોમાં અસંતોષ વધ્યો હતો.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. જેમાં દાંતા તાલુકાની આદર્શ સ્કૂલ ખાતે યોજાયેલી મતગણતરીમાં અંબાજી તાલુકા પંચાયતની બેઠક નંબર 1, 2 અને 3 પર કોંગ્રેસના ઉમેદવારોનો શાનદાર વિજય થયો છે. જ્યારે જિલ્લા પંચાયતની અંબાજી બેઠક ઉપર પણ કોંગ્રેસના ઉમેદવાર જયાબેન ગઢવીનો ભવ્ય વિજય થયો છે. આ બેઠકો પર વર્ષોથી ભાજપનું પ્રભુત્વ હતું, પરંતુ આ વખતે કોંગ્રેસે આ મજબૂત ગઢમાં ગાબડું પાડ્યું છે. હંમેશા ભાજપ તરફી રહેતા મતદારોએ આ વખતે પરિવર્તન લાવીને કોંગ્રેસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
અંબાજી વિસ્તારમાં કોંગ્રેસે ભાજપના ગઢમાં જ મોટું ગાબડું પાડી રાજકીય સમીકરણોમાં ફેરફાર કર્યો છે. વિજય બાદ કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, અને અંબાજીમાં ભવ્ય વિજય સરઘસ પણ યોજાયું હતું.


