1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. યુવાનોએ નિષ્ફળતાનો ભય રાખ્યા વિના સફળ થવા માટે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએઃ ઉપરાષ્ટ્રપતિ
યુવાનોએ નિષ્ફળતાનો ભય રાખ્યા વિના સફળ થવા માટે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએઃ ઉપરાષ્ટ્રપતિ

યુવાનોએ નિષ્ફળતાનો ભય રાખ્યા વિના સફળ થવા માટે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએઃ ઉપરાષ્ટ્રપતિ

0
Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના 72 મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના 51622 વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીના અધ્યક્ષપદે આયોજિત આ દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવ્રતજી, CM ભૂપેન્દ્ર પટેલ તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજી અને મહાનુભાવોએ ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં નવનિર્મિત અટલ – કલામ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. અટલ – કલામ ભવનમાં જ આયોજિત દીક્ષાંત સમારોહમાં અધ્યક્ષસ્થાનેથી બોલતાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીએ કહ્યું હતું કે, યુવાનોએ ગભરાવું ન જોઈએ. મનમાં કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર જીવનના દરેક પડકારોનો સામનો કરીને આગળ વધવું જોઈએ. જો તમને સફળતા ન મળે તો નિરાશ કે હતાશ થઈ જવાને બદલે મક્કમ મને મુકાબલો કરશો તો સફળતા જરૂરથી મળશે. આઝાદીના અમૃતકાળમાં કર્તવ્યકાળની એક મજબુત નીવ મૂકવામાં આવી છે. જ્યારે દેશ વર્ષ 2047માં આઝાદીનો શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યો હશે ત્યારે યુવાનો પર સૌથી વધુ આશા હશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ગુજરાત પધારેલા ઉપરાષ્ટ્રપતિએ ઉત્સાહભેર જણાવ્યું કે, હું ભાગ્યશાળી છું કે ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં સહભાગી થવાનો મને અવસર મળ્યો.   ગુજરાત આવીને મને સારું લાગે છે, જ્યારે એક ગુજરાતી દિલ્હી જાય છે ત્યારે તેની અસર ગુજરાત પર તો પડે છે સાથે સાથે દેશ અને દુનિયા પર પણ પડે છે એમ તેમણે ઉમેર્યું હતું. આ અવસરે અટલ કલામ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરીને પોતે ભાગ્યશાળી હોવાનો ગૌરવભેર સ્વીકાર ઉપરાષ્ટ્રપતિએ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે, આ સેન્ટરનું નામ ભારતના બંને મહાન પુત્રો અટલ બિહારી વાજપેયી અને એપીજે અબ્દુલ કલામના નામ પર છે એ આપણાં સૌ માટે એક ગૌરવની વાત છે. આ અવસરે તેમણે સ્વ.એપીજે અબ્દુલ કલામના પ્રેરણાદાયી કિસ્સાઓની વાત પણ યુવાનો સમક્ષ કરી હતી. 

વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા વિશે તેમણે જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ સમિટ થકી ગુજરાતે ગ્લોબલ ડેવલપમેન્ટ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આ સાથે તેમણે ગુજરાતને લેન્ડ ઓફ ઇનોવેશન પણ ગણાવ્યું હતું અને ગુજરાતના ગ્રીન હાઈડ્રોજન મિશનની પણ સરાહના કરી હતી. ઉપરાષ્ટ્રપતિએ કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ વિશે વાત કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે અનેક સારા નિર્ણયો કર્યા છે. તેમણે સૌ પ્રથમ ગામે-ગામ શૌચાલય બનાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ વડાપ્રધાને હર ઘર નલ સે જલ યોજના થકી છેવાડા સુધી પાણી પહોંચાડ્યું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે,ઉજ્જવલા યોજના થકી 10 કરોડથી વધારે ઘરોને મફત ગેસ કનેક્શન મળ્યા છે. આજે અનેક લાભાર્થીઓને બેંક ખાતાના માધ્યમથી સરકારી સહાય પૂરી પારદર્શિતા સાથે તેમના સુધી પહોંચે છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ગુજરાતની ભૂમિ અંગે વાત કરતા ઉપરાષ્ટ્રપતિજીએ કહ્યું કે, ગુજરાતની માટીમાં કંઈક ખાસ છે. વાત  સરદાર વલ્લભભાઈ પટેલની હોય કે પછી મહાત્મા ગાંધીજીની હોય કે પછી હાલમાં દેશનું નેતૃત્વ સંભાળનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની હોય. દરેક કાળખંડમાં અનેક એવા મહાપુરુષો ગુજરાતની ભૂમિ પર જન્મ્યા છે જેમને ભારતનું નામ દેશ અને દુનિયામાં આગળ વધાર્યું છે. આમ, આ કાળખંડ ભારતના વિકાસનો છે. આ કાળખંડ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરનાર છે. ઈતિહાસ પર થોડો પ્રકાશ ફેંકતા ઉપરાષ્ટ્રપતિજીએ કહ્યું હતું કે, ભારતના બંધારણ અને દેશના એકીકરણમાં બે મહત્વની બાબતો છે, સરદાર પટેલ જમ્મુ-કાશ્મીર સિવાય તમામ રાજ્યોના એકીકરણમાં સામેલ હતા! અને બીજા ડૉ. બી.આર. આંબેડકર, મુસદ્દા સમિતિના અધ્યક્ષ, આપણા ભારતીય બંધારણના પિતા કે તેમણે કલમ 370 સિવાય બંધારણના દરેક અનુચ્છેદનો મુસદ્દો તૈયાર કર્યો હતો.

ભારતના બંધારણ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, બંધારણના ઘડવૈયાઓએ આપણને જે બંધારણ આપ્યું છે તેમાં 22 ચિત્રો છે, તેમાં આપણી 5000 વર્ષની સાંસ્કૃતિક વારસાની ઝલક છે, સારનાથનું અશોક પ્રતીક છે, ગુરુકુળની પરંપરા છે અને તેનો સૌથી મહત્વનો ભાગ એ છે જેને મૂળભૂત અધિકારો કહેવામાં આવે છે કે જે લોકશાહીનું અમૃત અને લોકશાહી મૂલ્યોનો સાર જેના વિના લોકશાહી અધૂરી છે. આ મૂળભૂત અધિકારના લખાણની ઉપરનું ચિત્ર રામ, સીતા અને લક્ષ્મણનું છે એટલે કે રામ, સીતા અને લક્ષ્મણ આપણા બંધારણનો ભાગ છે તેવું એમણે કહ્યું હતું. ઉપરાષ્ટ્રપતિજીએ કાયદો અને વ્યવસ્થાની વાત કરતા કહ્યું કે, દેશના સૌ નાગરિકોની રક્ષા કરવા માટે કાયદો અને વ્યવસ્થા બનાવવામાં આવી છે. આજે કાયદાની ઉપર કોઈ નથી અને આજે કાયદાએ સામાન્ય માનવીમાં પણ અનેક આશાઓ જગાવી છે. 

ડિજિટલ ટ્રાન્ઝેક્શન ક્ષેત્રની વાત કરતા તેમણે કહ્યું કે આજે ભારત વિશ્વના અનેક દેશો કરતા ડિજિટલ ટ્રાન્જેક્શન ક્ષેત્રમાં સૌથી આગળ છે. એટલું જ નહીં ઇન્ટરનેટના ક્ષેત્રમાં પણ અનેક ક્રાંતિ ભારતે સર્જી છે. આ સાથે વર્લ્ડ બેંક આગામી સમયમાં ઇન્ડિયાને ફાસ્ટેસ્ટ ગ્રોથ ઇકોનોમી તરીકે પણ જોઈ રહી છે અને આ માત્ર નરેન્દ્રભાઈ મોદીના વિઝનને કારણે શક્ય બન્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code