1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ‘સાયબર સેફ સુરત’ માટે સુરત શહેર પોલીસની અનોખી પહેલ: બનાવ્યું દેશનું સૌપ્રથમ ‘ચેટબોટ’
‘સાયબર સેફ સુરત’ માટે સુરત શહેર પોલીસની અનોખી પહેલ: બનાવ્યું દેશનું સૌપ્રથમ ‘ચેટબોટ’

‘સાયબર સેફ સુરત’ માટે સુરત શહેર પોલીસની અનોખી પહેલ: બનાવ્યું દેશનું સૌપ્રથમ ‘ચેટબોટ’

0
Social Share

અમદાવાદઃ ‘સાયબર સેફ સુરત’ માટે સુરત શહેર પોલીસે અનોખી પહેલ કરી નાગરિકોને સાયબર ક્રાઈમ, સાઈબર ફ્રોડથી બચાવવા અને સહાયરૂપ થવા દેશનું સૌપ્રથમ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આધારિત ‘ચેટબોટ’ બનાવ્યું છે. ‘સુરત સાયબર મિત્ર’ નામક ‘ચેટબોટ’ નાગરિકોને સાયબર ફ્રોડથી સુરક્ષા આપવાની સાથે સાઈબર ક્રાઈમનો ભોગ બનતા અટકવામાં મદદરૂપ બનશે. ‘સાવચેતી એ જ સાવધાની’ એમ જણાવતા સુરત સાયબર ક્રાઈમના ACP એ.પી. ગોહિલે શહેરીજનોને સાયબર ક્રાઈમ વિષે સચેત રહેવા જણાવી લોકોને સાયબર ફ્રોડથી સુરક્ષા આપવા સુરત શહેર પોલીસ દ્વારા તૈયાર કરાયેલા દેશના સૌપ્રથમ ‘ચેટબોટ’ની માહિતી આપતા શ્રી ગોહિલે જણાવ્યું કે, ‘સુરત સાયબર મિત્ર’ ખાસ કરીને સુરત શહેરને સાયબર સેફ બનાવવાની શહેર પોલીસની એક નવીન પહેલ છે. જેમાં દેશનો કોઈ પણ નાગરિક ૯૩૨૮૫-૨૩૪૧૭ વોટ્સએપ નંબર પર HI મોકલી ચેટબોટ સાથે જોડાઈ શકે છે. તેમણે ચેટબોટની વિશેષતાઓ વર્ણવતા કહ્યું કે, માનવરહિત ચેટબોટની મદદથી સુરતના નાગરિકોને ૨૪*૭ સાઈબર સુરક્ષાને લગતી દરેક માહિતીઓ ઉપલબ્ધ થશે. સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ફ્રોડ થાય તો ત્વરિત ધોરણે લેવાના પગલા તેમજ ફરિયાદ નોંધણી માટે જરૂરી માર્ગદર્શન મળી રહેશે. વધુમાં સુરત સાયબર મિત્ર સ્પામ કોલ, સ્પામ મેઈલ કે લિંકને રિપોર્ટ કરવા, નાણાંકીય અને સોશિયલ મિડીયા સંબંધિત ફ્રોડની માહિતી અને ટીપ્સ મેળવવા, સોશિયલ મિડીયા ફ્રોડ સંબંધિત અરજી કરવા, સોશિયલ મિડીયા પ્લેટ્ફોર્મના ફરિયાદ પોર્ટલ પર રિપોર્ટ કરવા, સોશિયલ મિડીયા પ્રાઈવસી સેટિંગ્સની માહિતી મેળવવા, સાયબર સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે લોકલ પોલીસ સ્ટેશનના ફોન નંબર અને ઈ-મેઈલની માહિતી મેળવવા માટે મદદરૂપ થશે એમ જણાવી આ દરેક માહિતી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં ઉપલબ્ધ હોવાનું ઉમેર્યું હતું. નોંધનીય છે કે, આજના ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ક્રાઈમથી નાગરિકોને સુરક્ષિત રાખવા અને લોકોમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતતા વધારવા ‘સાયબર સેફ સુરત’ પહેલ હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં અગાઉ ‘સાયબર સંજીવની રથ’ અને ‘સાયબર SAFE સુરત’ના ઓડિયો વિઝ્યુઅલ પુસ્તકનો પણ સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code