અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ બાકી, ગીતા-ગૌરી અને મંગલમ્ સિનેમા સહિત 17 મિલકતોની હરાજી કરાશે
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા કરદાતાઓ સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકો એવા છે. કે, વારંવાર રિમાન્ડ અને નોટિસો આપવા છતાં પ્રોપર્ટી ટેક્સ ભરતા નથી. શહેરમાં ગીતા-ગૌરી સિનેમા, મંગલમ સિનેમા, તક્ષશિલા હોટલ, જીવનધારા હોસ્પિટલનો લાખો રૂપિયાનો મિલકત વેરો બાકી હોઈ 7 દિવસમાં ટેક્સ ભરવા માટે નોટિસ અપાઈ છે. જો તેના માલિકો 7 દિવસમાં ટેક્સ નહીં ભરે તો તેમની મિલકતોની હરાજી કરવાની ચિમકી આપવામાં આવી છે. 17 મિલકતોના લાખોના બાકી ટેક્સ મુદ્દે કોર્પોરેશને નોટિસ આપી 7 દિવસનો સમય આપ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા મંગલમ સિનેમાનો રૂ. 92.44 લાખ, ગોમતીપુરના ભોગીલાલ મફતલાલ સન્સનો રૂ. 81.23 લાખ, ગીતા-ગૌરી સિનેમાનો રૂ. 53.19 લાખ, વસ્ત્રાલની તક્ષશિલા હોટલનો રૂ. 32.62 લાખ, જશોદાનગરના નવગુજરાત પેટ્રોલપંપનો રૂ. 30.13 લાખ, ઓઢવની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો રૂ. 21.67 લાખ, વસ્ત્રાલની ક્રિશ રેસ્ટોરન્સનો રૂ. 19.20 લાખ, અને અમરાઈવાડીની જીવનધારા હોસ્પિટલનો રૂ. 11.12 લાખ જેટલો ટેક્સ બાકી છે. શહેરમાં જુદા જુદા વિસ્તારમાં 17 મિલકતધારકો દ્વારા લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સની રકમ ચૂકવવામાં આવતી નથી ત્યારે મ્યુનિ. દ્વારા આવી મિલકતોને નોટિસ આપી જો 7 દિવસમાં બાકી ટેક્સની રકમ નહીં ચૂકવે તો તેમની મિલકતોની જાહેર હરાજી કરીને નાણાં વસૂલવાની ચીમકી આપી છે. આ 17 મિલકતો પાસેથી મ્યુનિ.ને કુલ 5.32 કરોડથી વધારેની રકમ લેણી નીકળે છે.
અમદાવાદ મ્યુનિ.ના ટેક્સ વિભાગના સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, 10થી 92 લાખ રકમ નહીં ભરતી આ 17 મિલકતોના માલિકને વારંવાર નોટિસ આપવા છતાં પણ તેમના દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હતા. તેમજ હાલ મ્યુનિ.એ ટેક્સ માફીની યોજના ચાલુ હોવા છતાં પણ લાભ મેળવવા કોઇ પ્રયાસ કરાયો ન હતો. શહેરમાં બે સિનેમાગૃહ, જીઆઇડીસી વિસ્તારની કેટલીક મિલકતો, ટેક્સટાઈલની જૂની મિલકતો સહિત માટી સંખ્યામાં મિલકતોનો સમાવેશ થાય છે. ઓઢવમાં આવેલી ન્યુ જગત ટેક્સટાઈલનો સૌથી વધુ રૂ.92 લાખ પ્રોપર્ટી ટેક્સ બાકી નીકળી છે.