Homeગુજરાતીટેકનોલોજી18મી બ્રિક્સ (BRICS) સમિટનો આવતીકાલથી નવી દિલ્હીમાં પ્રારંભ

18મી બ્રિક્સ (BRICS) સમિટનો આવતીકાલથી નવી દિલ્હીમાં પ્રારંભ

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર 2026: 18મી બ્રિક્સ (BRICS) સમિટ આવતીકાલે નવી દિલ્હીના ‘ભારત મંડપમ’ ખાતે શરૂ થશે. બે દિવસીય આ સમિટ માટે રાજધાનીમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બ્રિક્સમાં બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ભારત, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાત સહિત અગિયાર મુખ્ય ઉભરતી અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. વર્ષ 2026માં ભારતની બ્રિક્સ અધ્યક્ષતા માટેની થીમ “સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહયોગ અને ટકાઉ વિકાસ માટે નિર્માણ” (Building for Resilience, Innovation, Cooperation, and Sustainable Development) છે.

આ શિખર સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન ભાગ લેશે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન અને ઇથોપિયાના વડાપ્રધાન અબી અહેમદ અલી પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. બ્રાઝિલનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી માઉરો વિએરા કરશે, જ્યારે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈસલ બિન ફરહાન અલ સઉદ આ પરિષદમાં ભાગ લેશે.

મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ અને વિયેતનામના વડાપ્રધાન લે મિન્હ હંગ પણ આ પરિષદમાં ભાગ લેશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનૉમ ઘેબ્રેયેસસ અને ન્યૂ ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ દિલમા રુસેફ સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ પણ આ પરિષદમાં સહભાગી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરે તેવી શક્યતા છે. રશિયાના રાષ્ટ્રપતિ અને બ્રાઝિલના વિદેશ મંત્રી ગઈકાલે રાત્રે નવી દિલ્હી આવી પહોંચ્યા હતા. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ આજે સવારે રાજધાનીમાં આગમન કરશે.

ઈરાન, ઈન્ડોનેશિયા, ઈજિપ્ત, ફિલિપાઈન્સ અને બુરુંડીના રાષ્ટ્રાધ્યક્ષો, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ તેમજ મલેશિયા અને ઈથિયોપિયાના વડાપ્રધાનો પણ આજે બાદમાં નવી દિલ્હી આવી પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિખર સંમેલન દરમિયાન વિવિધ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે.

વધુ વાંચો: સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રવાસી બસનો ભયાનક અકસ્માત, અનેક લોકોનાં મોત

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular