1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનનો અફઘાનિસ્તાન સરહદે હુમલામાં 11 બોળકો સહિત 26ના મોત, આતંકી માર્યાનો પાક.નો દાવો
પાકિસ્તાનનો અફઘાનિસ્તાન સરહદે હુમલામાં 11 બોળકો સહિત 26ના મોત, આતંકી માર્યાનો પાક.નો દાવો

પાકિસ્તાનનો અફઘાનિસ્તાન સરહદે હુમલામાં 11 બોળકો સહિત 26ના મોત, આતંકી માર્યાનો પાક.નો દાવો

0
Social Share

કાબુલ, 10 જૂન 2026: પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની સરહદની અંદર ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓ પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે બુધવારે સત્તાવાર દાવો કર્યો છે કે, આ ચોક્કસ અને આયોજનબદ્ધ ઓપરેશનમાં 26 આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો છે. બીજી તરફ, અફઘાનિસ્તાનની સત્તા પર કાબિજ તાલિબાને પાકિસ્તાનના આ દાવાને નકારી કાઢતા જણાવ્યું છે કે, આ હુમલામાં 11 નિર્દોષ બાળકો, એક મહિલા અને એક વૃદ્ધ સહિત સામાન્ય નાગરિકોના મોત નીપજ્યા છે. તાલિબાને પુરાવા તરીકે માર્યા ગયેલા બાળકોની તસવીરો પણ જાહેર કરી છે.

પાકિસ્તાની મંત્રી અતાઉલ્લાહ તરારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટ દ્વારા આ સૈન્ય કાર્યવાહીની વિગતો આપતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં આ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદી વિસ્તારોમાં સક્રિય આતંકી સંગઠન ‘ફિતના-અલ-ખવારિજ’ સાથે જોડાયેલા માસ્ટરમાઇન્ડ અને કાવતરાખોરોના સુરક્ષિત ઠેકાણાઓ પર સચોટ હવાઈ હુમલા કરાયા હતા. આ ઓપરેશનમાં ભારત સમર્થિત 26 ખવારિજ આતંકીઓ માર્યા ગયા છે.

ગુપ્તચર વિભાગની ચોક્કસ માહિતીના આધારે આતંકીઓના કેમ્પ પર આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સંગઠનના ટોચના કમાન્ડર અલીમ ખાન ખુશલી અને કમાન્ડર અખ્તર મુહમ્મદ જાની ખેલના ટ્રેનિંગ સેન્ટરો, દારૂગોળાનો મોટો જથ્થો અને હથિયાર કેન્દ્રો સહિતના 4 મહત્વના ઠેકાણાઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરી દેવાયા છે.

પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, પેશાવરના મૂસા દારા વિસ્તારમાં ફેડરલ કોન્સ્ટેબુલરીની સુરક્ષા ચોકી પર ભયાનક આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી હતી અને આ જવાબી એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. મંત્રી તરારે ઉમેર્યું હતું કે, પાકિસ્તાને હંમેશા આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ પોતાના નાગરિકોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. દેશમાંથી વિદેશી ભંડોળથી ચાલતા આતંકવાદને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે પાકિસ્તાની સેના ‘અઝ્મ-એ-ઇસ્તેહકામ’ (રાષ્ટ્રીય એક્શન પ્લાન) અંતર્ગત આતંકવાદ વિરોધી અભિયાન પૂરઝડપે ચાલુ રાખશે.

  • તાલિબાને પાકિસ્તાનના દાવાને ‘જૂઠાણું’ ગણાવ્યું

સામે પક્ષે, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનના આ ઓપરેશનને કાયરતાપૂર્ણ ગણાવી ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. તાલિબાનના પ્રવક્તાએ જણાવ્યું છે કે પાકિસ્તાન આતંકીઓને મારવાના ખોટા દાવા કરીને પોતાના ગુનાઓ છુપાવી રહ્યું છે. આ હવાઈ હુમલામાં કોઈ આતંકી સંગઠનને નુકસાન નથી થયું, પરંતુ વસાહતો પર બોમ્બમારો થવાના કારણે 11 નિર્દોષ બાળકો અને મહિલાઓએ જીવ ગુમાવવો પડ્યો છે. તાલિબાન દ્વારા આ ઘટના અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ નોંધાવવાની પણ તૈયારીઓ થઈ રહી છે, જેને પગલે બંને પાડોશી દેશો વચ્ચે સરહદી યુદ્ધ ફાટી નીકળવાની આશંકા સેવાઈ રહી છે.

(PHOTO-AI)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code