30 ભારતીય ટ્રક ડ્રાઈવરોની અમેરિકામાં ધરપકડ, જાણો શું છે મામલો અને હવે શું થશે?
- ઓપરેશન ચૅકમેટ દરમિયાન 52 ડ્રાઈવરોને ઝડપી લેવામાં આવ્યા, તેમાંથી ગેરકાયદે ઘૂસેલા 36માંથી 30 ભારતીય
વોશિંગ્ટન, 2 જૂન 2026: અમેરિકામાં કોમર્શિયલ ટ્રક ડ્રાઈવર તરીકે ગેરકાયદે કામ કરી રહેલા આશરે 30 ભારતીય નાગરિકોની યુએસ (US) બોર્ડર પેટ્રોલ એજન્ટો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ ‘ઓપરેશન ચેકમેટ’ (Operation Checkmate) નામના એક ફેડરલ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અભિયાન હેઠળ કરવામાં આવી છે. સત્તાવાર માહિતી અનુસાર, હવે આ તમામ લોકોએ અમેરિકામાંથી દેશનિકાલની પ્રક્રિયાનો સામનો કરવો પડી શકે છે.
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, 11 થી 15 મે વચ્ચે એરિઝોનાના યુમા સેક્ટરમાં ચલાવવામાં આવેલા આ ખાસ ઓપરેશન દરમિયાન કુલ 52 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આમાંથી 36 લોકો દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા હોવા છતાં કોમર્શિયલ સેમી-ટ્રક ચલાવતા પકડાયા હતા.
36 ટ્રક ડ્રાઇવરોમાંથી 30 ભારતીય નાગરિકો
આ ઓપરેશન ખાસ કરીને ઇમિગ્રેશન કાયદાઓનું ચુસ્તપણે પાલન કરાવવા અને કોઈપણ માન્ય દસ્તાવેજો વિના કોમર્શિયલ વાહનોના ડ્રાઈવર તરીકે કામ કરતા પ્રવાસીઓની ઓળખ કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રેશન સામે ચાલી રહેલી કડક કાર્યવાહી વચ્ચે આ મોટું ઓપરેશન હાથ ધરાયું છે. યુએસ સત્તાધિકારીઓએ જણાવ્યું કે પકડાયેલા 36 ટ્રક ડ્રાઇવરોમાંથી ઓછામાં ઓછા 30 ડ્રાઇવરો ભારતીય નાગરિકો છે.
આ પણ વાંચોઃ દુનિયાની ભાવિ સલામતી માટે આ બે પુસ્તક સીમાચિહ્ન સાબિત થઈ શકે તેમ છે…
જ્યારે બાકીના 6 લોકો મેક્સિકો, અલ સલ્વાડોર અને રશિયાના વતની છે. પકડાયેલા કેટલાક લોકો પાસે કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, વોશિંગ્ટન અને વર્જિનિયા જેવાં રાજ્યો દ્વારા ઇસ્યુ કરાયેલા કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ હતા, જ્યારે કેટલાક લોકો પાસે કોઈ પણ પ્રકારનું માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું. અધિકારીઓએ વધુમાં ખુલાસો કર્યો છે કે, અટકાયતમાં લેવાયેલા ઘણા લોકો પાસે અગાઉના વહીવટીતંત્ર દરમિયાન મેળવેલા રોજગાર મંજૂરી દસ્તાવેજો (વર્ક પરમિટ) હતા, પરંતુ હવે તે પરમિટો કાયદેસર રીતે માન્ય નહોતી.
કુલ 52 લોકો સામે થશે કડક કાર્યવાહી
ઓપરેશન દરમિયાન પકડાયેલા તમામ 52 લોકો સામે ફેડરલ કાયદા હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તેઓને અમેરિકામાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. ‘ઓપરેશન ચેકમેટ’ નો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર અમેરિકામાં કોઈપણ કાયદેસરના દસ્તાવેજો વિના કોમર્શિયલ મોટર વાહનો ચલાવતા લોકોની ધરપકડ કરીને જાહેર સુરક્ષાને વધુ મજબૂત કરવાનો છે.
યુએસ બોર્ડર પેટ્રોલના અધિકારીએ જણાવ્યું હતું કે, “ઓપરેશન ચેકમેટ એ આપણા સમુદાયો અને રસ્તાઓને એવા ગેરકાયદેસર ડ્રાઇવરોથી સુરક્ષિત રાખવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે જેઓ જાહેર સુરક્ષા માટે મોટો ખતરો ઊભો કરે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, ફેડરલ એજન્ટો આવા ડ્રાઇવરોની ઓળખ કરવા અને દેશભરના હાઇવે પર થતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે દરરોજ સઘન પેટ્રોલીંગ કરતા રહે છે.


