
ગુજરાતની હોસ્પિટલોમાં 52 હજાર દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપરઃ સરકારે કોર્ટમાં રજૂ કર્યું એફિડેવીટ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં કોવિડના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. કોરોનાના તમામ દર્દીઓ પૈકી 52 હજાર દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપર સારવાર લઈ રહ્યાં છે. તેમ ગુજરાત સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલી એફિડેવીટમાં જણાવ્યું છે.
કેસની હકીકત અનુસાર ગુજરાતમાં કોરોના મહામારીને લઈને હાઈકોર્ટમાં સુઓમોટો પીટિશન થઈ છે. આ અરજીમાં સરકારે હાઈકોર્ટમાં એફિડેવીટ રજૂ કર્યું હતું. જેમાં રજૂઆત કરી હતી કે, અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને 162 ખાનગી પરંતુ કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલોમાં જે કોઈ દર્દી 108માં સારવાર માટે આવે તેમને જ સરકારી કવોટાના બેડ ફાળવવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં 23 દિવસ દરમિયાન 33.62 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જે પૈકી 13.14 લાખ આરટીપીસીઆર ટેસ્ટ કરાયાં છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પાસે રેમડેસિવીર ઈન્જેકશનનો જથ્થો માંગ્યો છે. આ ઉપરાંત હોસ્પિટલની બહાર દર્દીને લઈને ઊભેલી 108 વાનમાં દર્દીની સારવાર તબીબ કરતા હોય છે. સરકારે હાઈકોર્ટમાં કરેલી એફિડેવીટમાં લોકડાઉનને લઈને કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત ઓક્સિજન પ્લાન્ટ લઈને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોના પીડિત દર્દીઓને ઈન્જેકશન મળી રહેતા હોવાનો પણ ઉલ્લેખ સોગંદનામામાં કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના મહામારીને લઈને હાઈકોર્ટમાં થયેલી અરજીમાં અગાઉ સરકારની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ હાઈકોર્ટે સરકારને કેટલાક નિર્દેશ પણ કર્યાં હતા.