કોઈમ્બતુર પાસે ગમખ્વાર અકસ્માતમાં કેરળના 9 પ્રવાસીઓના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
કોઈમ્બતુર, 18 એપ્રિલ 2026: તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પર્યટન સ્થળ વાલપરાઈમાં શુક્રવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કેરળના મલપ્પુરમ જિલ્લાના પ્રવાસીઓને લઈ જતી એક મિની ટ્રાવેલર વાન પોલ્લાચી-વાલપરાઈ ઘાટ રોડ પરના 13મા હેરપિન બેન્ડ (તીવ્ર વળાંક) પર નિયંત્રણ ગુમાવતા ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ કરુણ દુર્ઘટનામાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા., જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, કેરળના ત્રિશૂર તરફથી આવી રહેલી આ ટ્રાવેલર વાન પહાડી રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે વળાંક પર કાબૂ ગુમાવ્યો હતો. વાન રક્ષણાત્મક ગાર્ડ રેલ સાથે અથડાઈને સીધી 8મા હેરપિન વળાંક તરફ નીચે પડી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા અને ઘાયલોને પોલ્લાચીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ હૃદયદ્રાવક ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે, “તમિલનાડુના કોઈમ્બતુરમાં થયેલા અકસ્માતના સમાચાર સાંભળી અત્યંત દુઃખ થયું. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.”
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટના માર્ગ સલામતીના કડક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. તેમણે વહીવટીતંત્રને અસરગ્રસ્ત પરિવારોને ત્વરિત વળતર અને સહાય પૂરી પાડવા વિનંતી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલ્લાચી-વાલપરાઈ માર્ગ તેની ભૌગોલિક સ્થિતિ અને 40થી વધુ અત્યંત તીક્ષ્ણ વળાંકો (હેરપિન બેન્ડ્સ) માટે જાણીતો છે. આ માર્ગ પર ડ્રાઇવિંગ કરવું ખૂબ જ પડકારજનક માનવામાં આવે છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. કેરળના પોલીસ વડા રેવદા ચંદ્રશેખરે જણાવ્યું કે તેઓ તમિલનાડુ પોલીસ સાથે સતત સંપર્કમાં છે અને પીડિત પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃઅમૃતા ફડણવીસનો દાવો: એક્સિસ બેંકમાં પણ TCS જેવું જ થયું હતું


