અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર: ત્રણ ટાઈમ થશે આરતી
અંબાજી, 18 એપ્રિલ 2026: વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા કુદરતી ફેરફારને ધ્યાનમાં રાખીને મંદિર વહીવટીતંત્ર દ્વારા નીજ મંદિરની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવો સમયગાળો આગામી 19 એપ્રિલ અને સોમવાર એટલે કે અખાત્રીજથી અમલમાં આવશે. અત્યાર સુધી અંબાજી મંદિરમાં સવાર અને સાંજ એમ બે સમયે જ આરતી થતી હતી. પરંતુ હવેથી પરંપરામાં ફેરફાર કરીને ત્રણ સમય આરતી કરવામાં આવશે. હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે માતાજીને દિવસ દરમિયાન ત્રણ વખત વસ્ત્રો અને શણગાર બદલવામાં આવે છે, જેની સાથે હવે બપોરના સમયે પણ આરતીનો લ્હાવો ભક્તોને મળશે.
યાત્રિકોની સુવિધા અને ગરમીના પ્રકોપને જોતા મંદિરના સવારના સમયમાં પણ આંશિક ફેરફાર કરાયો છે. અગાઉ મંદિર સવારે 11:30 કલાકે દર્શન માટે બંધ થતું હતું, જે હવે પોણા કલાક વહેલું એટલે કે સવારે 10:45 કલાકે મંગળ કરી દેવામાં આવશે. આ ઉપરાંત, અષાઢી બીજ સુધી માતાજીના સન્મુખ ધરાવવામાં આવતો અન્નકૂટ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મંદિરના મહારાજશ્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, નવા સમયપત્રક મુજબ ભક્તોને માતાજીના ત્રણ અલગ-અલગ અવસ્થામાં દર્શન થશે. જેમાં સવારના સમયે બાલ્યા અવસ્થા, બપોરના સમયે યૌવન અવસ્થા અને સાંજના સમયે પ્રૌઢ અવસ્થાના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવશે. આ ફેરફારથી અંબાજી આવતા માઈભક્તોએ પોતાના દર્શનનું આયોજન નવા સમય મુજબ કરવા વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ કોઈમ્બતુર પાસે ગમખ્વાર અકસ્માતમાં કેરળના 9 પ્રવાસીઓના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ


