જીએસટીના ૯ વર્ષ, ચેકપોસ્ટના જંગલથી ડિજિટલ ભારત સુધીની સફરઃ વેપાર વધ્યો કે વાંધા ઘટ્યા?
હેમંત પરમાર દ્વારા
૧ જુલાઈ, ૨૦૧૭. ભારતીય અર્થતંત્રના ઇતિહાસમાં એવી તારીખ, જેને કેટલાક લોકોએ આર્થિક ક્રાંતિ ગણાવી હતી તો કેટલાકે તેને દેશના વેપાર-ઉદ્યોગનો અંતિમ સંસ્કાર જાહેર કરી દીધો હતો. સંસદમાં મધ્યરાત્રિના વિશેષ સત્રમાં જીએસટી અમલમાં આવ્યો અને સાથે જ દેશની રાજનીતિમાં આગાહીબાજી, ભવિષ્યવાણી અને વિરોધની નવી સ્પર્ધા શરૂ થઈ ગઈ.
તે સમયે કેટલાક રાજકીય નેતાઓ અને સ્વઘોષિત અર્થશાસ્ત્રીઓએ દાવો કર્યો હતો કે જીએસટી લાગુ થશે તો વેપાર ઠપ્પ થઈ જશે, ઉદ્યોગો બંધ થઈ જશે, બેરોજગારી આસમાને પહોંચશે અને અર્થતંત્ર ઘૂંટણિયે આવી જશે. પરંતુ નવ વર્ષ પછી સવાલ એ છે કે શું ખરેખર એવું થયું?
જીએસટી પહેલાં દેશની કરવેરા વ્યવસ્થા એવી હતી કે સામાન્ય વેપારીને પોતાનો ધંધો સંભાળવો સરળ હતો કે ટેક્સના નિયમો સમજવા સરળ હતા, તેનો જવાબ આપવો મુશ્કેલ હતો. વેટ અલગ, એક્સાઇઝ અલગ, સર્વિસ ટેક્સ અલગ, ઓક્ટ્રોય અલગ અને રાજ્ય પ્રમાણે નિયમો પણ અલગ. વેપારીને ઘણી વાર એવું લાગતું કે તે વેપાર ઓછો અને કરવેરાનું પીએચ.ડી. વધુ કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ એર ફોર્સ સ્ટેશન વડોદરા દ્વારા ઇન્ડસ્ટ્રી આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરાયું
શું સ્થિતિ હતી?
રાજ્યની સરહદો પર ચેકપોસ્ટો ઉભી હતી. ટ્રકો કલાકો સુધી અટવાતી હતી. ડીઝલ બળતું, સમય બગડતો અને આખરે ખર્ચ ગ્રાહકના ખિસ્સામાંથી વસૂલાતો. પરંતુ તે સમયના કેટલાક નેતાઓને આ વ્યવસ્થા ખૂબ ગમતી હતી. કદાચ કારણ એ હતું કે ગૂંચવણ જેટલી વધારે, રાજકીય ભાષણો માટે મુદ્દા એટલા વધારે.
જીએસટી આવ્યા પછી દેશભરમાં એકીકૃત બજારની શરૂઆત થઈ. ચેકપોસ્ટો હટી, ઇ-વે બિલ આવ્યું અને માલસામાનની હેરફેર સરળ બની. પરંતુ વિરોધીઓએ ત્યારે પણ કહ્યું કે “આ વ્યવસ્થા ચાલશે નહીં.” હવે નવ વર્ષ પછી એ જ લોકો જીએસટી નંબર ધરાવતા વેપારીઓ પાસેથી ખરીદીના બિલ માગતા જોવા મળે છે.
જીએસટીનો સૌથી મોટો પ્રહાર કરચોરીના જૂના મોડેલ પર પડ્યો. અગાઉ કાચા બિલો, બિનહિસાબી વ્યવહારો અને ટેક્સ બચાવવાના અનેક રસ્તાઓ હતા. આજે વ્યવહારોની ડિજિટલ નોંધણીના કારણે ઘણા દરવાજા બંધ થયા છે. પરિણામે કેટલાક લોકોને પારદર્શિતા કરતાં મુશ્કેલી વધુ દેખાઈ. કારણ કે અંધારામાં વેપાર કરનારાને પ્રકાશ ક્યારેય ગમતો નથી.
એક રસપ્રદ વાત એ પણ છે કે જીએસટીના વિરોધમાં સૌથી વધુ અવાજ ઉઠાવનારા ઘણા રાજકીય પક્ષો આજે પોતે સત્તામાં આવેલા રાજ્યોમાં જીએસટી કલેક્શન વધારવા માટે અધિકારીઓને લક્ષ્યાંક આપે છે. એટલે જાહેર મંચ પર વિરોધ અને ખજાનામાં આવક આવે ત્યારે મૌન. આને રાજકીય સુસંગતતા કહેવાય કે રાજકીય સગવડતા?
હવે શું બદલાયું?
આજે દર મહિને ૧.૬૦ લાખ કરોડ રૂપિયાથી વધુ જીએસટી કલેક્શન થઈ રહ્યું છે. જો જીએસટી ખરેખર નિષ્ફળ પ્રયોગ હોત, તો શું આવકમાં સતત વધારો જોવા મળ્યો હોત? શું લાખો નવા કરદાતાઓ વ્યવસ્થામાં જોડાયા હોત? શું ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન જાળવી શક્યું હોત?
હા, જીએસટી સંપૂર્ણ નથી. શરૂઆતમાં નાના વેપારીઓને મુશ્કેલીઓ પડી હતી. ઓનલાઇન રિટર્ન, ટેકનિકલ ખામીઓ અને નિયમોમાં ફેરફારોને કારણે ઘણા વેપારીઓ પરેશાન પણ થયા હતા. આ ટીકા વાજબી હતી અને છે. પરંતુ સિસ્ટમમાં સુધારાઓ પણ સતત થયા છે. પ્રશ્ન એ છે કે ખામી સુધારવી જોઈએ કે આખી વ્યવસ્થાને જ નકારી દેવી જોઈએ?
આજે સ્થિતિ એવી છે કે જે લોકો જીએસટી ને “ગબ્બર સિંહ ટેક્સ” કહીને રાજકીય મંચો ગરમ કરતા હતા, તેઓ પણ જીએસટીમાંથી મળતી આવકથી ચાલતી યોજનાઓનો લાભ પોતાના રાજ્યોમાં લે છે. ત્યારે સામાન્ય નાગરિક પૂછે છે કે જો જીએસટી એટલો ખરાબ હતો, તો પછી તેની આવકનો ઉપયોગ આટલો સારો કેવી રીતે લાગે છે?
જીએસટીએ દેશને એક બજાર તરીકે વિચારવાની દિશા આપી છે. વેપારને વધુ પારદર્શક બનાવ્યો છે. કરચોરી સામે નિયંત્રણ વધાર્યું છે અને ડિજિટલ અર્થતંત્રને મજબૂત બનાવ્યું છે.
નવ વર્ષ પછીનો સૌથી મોટો સવાલ કદાચ આ છે કે જીએસટીનો વિરોધ કરનારાઓની આગાહીઓ ખોટી સાબિત થઈ કે ભારતની અર્થવ્યવસ્થાએ તેમની કલ્પના કરતાં વધુ મજબૂત હોવાનો પુરાવો આપ્યો?
ઈતિહાસ કદાચ તેનો જવાબ આપી ચૂક્યો છે. કારણ કે રાજકીય સૂત્રો અને ચૂંટણીના ભાષણો સમય સાથે બદલાઈ જાય છે, પરંતુ આર્થિક સુધારાઓના પરિણામો આંકડાઓમાં દેખાય છે. અને જીએસટી ની નવ વર્ષની સફર આજે એ જ આંકડાઓની ભાષામાં પોતાની કહાની કહી રહી છે.


