
રાજકોટઃ રાજ્યમાં અનેક જ્ઞાતિ-સમાજમાં હજુ પણ બાળલગ્નો યોજાતા હોય છે.છેલ્લા ચાર વર્ષમાં રાજકોટ જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા 82 જેટલા બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ વર્ષ 2018-19ના સમય દરમિયાન 30 કરતા પણ વધુ બાળલગ્ન તંત્ર દ્વારા અટકાવવામાં આવ્યા હતા. છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરાની ઉંમર 21 વર્ષ કરતા ઓછી હોવા છતાં લગ્ન કરવામાં આવે, ત્યારે તે બાળલગ્નની વ્યાખ્યામાં આવે છે.
રાજકોટ જિલ્લાના સમાજ સુરક્ષા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટ જિલ્લામાં છેલ્લા 48 માસમાં એટલે કે ચાર વર્ષમાં 82 જેટલા બાળલગ્ન સમાજ સુરક્ષા દ્વારા અટકાવવામાં આવ્યા છે. જિલ્લામાં નોંધાયેલા બાળલગ્નમાં શહેર તથા ગ્રામ્યમાં એકસરખું જ પ્રમાણ છે. ગ્રામ્ય વિસ્તારમાં ગોંડલ, જેતપુર, ધોરાજી, લોધિકા જેવા અનેક શહેર તથા શહેરમાં સ્લમ વિસ્તારમાં મવડી તથા સામાકાંઠે આરટીઓ બાજુના વિસ્તારમાંથી સૌથી વધુ બાળલગ્ન અટકાવવામાં આવ્યા છે. જેટલા બાળલગ્ન થાય છે તેમાં 75 કિસ્સામાં છોકરીની ઉંમર જ 18 વર્ષ કરતા ઓછી હોય છે. સામાન્ય રીતે સમાજ સુરક્ષા વિભાગને પોલીસ, 181 (અભયમ), 1098 (ચાઈલ્ડ હેલ્પલાઈન) તથા જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવતી હોય છે. સ્થળ તપાસમાં જો લગ્ન બાકી હોય તો તે સમજાવટથી લગ્ન અટકાવવામાં આવે છે અને જો લગ્ન થઇ ગયા હોય તો પોલીસનો સંપર્ક કરી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
સમાજ સુરક્ષા વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, એક વખત રાજકોટ ગ્રામ્યમાં એક બાળલગ્ન દરમિયાન તપાસ કરતા ઘરના સભ્યો દ્વારા નાની ઉંમરની છોકરીના સ્થાને મોટી ઉંમરની છોકરીને મંડપમાં બેસાડી દેવામાં આવી હતી. પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા હકીકત બહાર આવી અને ત્યારબાદ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જો બાળલગ્ન થઇ ગયા હોય ત્યારે તેવા સંજોગોમાં બાળલગ્નમાં હાજર બંને પક્ષના તમામ વ્યક્તિ, પંડિત, કેમેરામેન સહિત જેટલા પણ હાજર હોય છે તે બધાની સંડોવણી હોવાથી અટકાયત કરી કોર્ટમાં પુરાવા રજૂ કર્યા બાદ કાયદેસરના પગલાં લેવામાં આવે છે. જેમાં 1 લાખનો દંડ તથા 7 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.