Homeગુજરાતીસ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ વનજી સુતારનું નિધન

સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર રામ વનજી સુતારનું નિધન

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક અને ભારતના પ્રખર શિલ્પકાર રામ વનજી સુતારનું મોડી રાત્રે નોઈડા સ્થિત તેમના નિવાસસ્થાને દુઃખદ અવસાન થયું છે. તેઓ 100 વર્ષના હતા અને છેલ્લા લાંબા સમયથી ઉંમર સંબંધિત બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના પુત્ર અનિલ સુતારે આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી હતી.

19મી ફેબ્રુઆરી 1925ના રોજ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના ગોંદુર ગામમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા રામ સુતારનો મૂર્તિકળા પ્રત્યેનો લગાવ બાળપણથી જ હતો. તેમણે મુંબઈની પ્રતિષ્ઠિત જે.જે. સ્કૂલ ઓફ આર્ટ એન્ડ આર્કિટેક્ચરમાંથી કળાનું શિક્ષણ મેળવ્યું હતું અને પોતાની પ્રતિભાના જોરે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ત્યાંથી શરૂ થયેલી તેમની સફર ભારતીય શિલ્પકળાને નવી ઊંચાઈઓ પર લઈ ગઈ હતી.

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી સુતારના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે. મુખ્યપ્રધાને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X ઉપર શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે,

રામ સુતારની છીણીમાંથી કંડારાયેલી અનેક પ્રતિમાઓ આજે દેશની શાન છે. જેમાં સંસદના પરિસરમાં સ્થાપિત મહાત્મા ગાંધીની ધ્યાનમગ્ન મુદ્રાવાળી પ્રતિમા, ઘોડા પર સવાર છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા અને ગુજરાતના કેવડિયામાં આવેલી દેશના પ્રથમ ઉપવડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નો સમાવેશ થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તેમને વિશ્વભરમાં ખ્યાતિ અપાવી છે.

કળા ક્ષેત્રે તેમના અદ્વિતીય યોગદાન બદલ ભારત સરકારે તેમને ઉચ્ચ નાગરિક સન્માનોથી નવાજ્યા હતા. તેમને 1999માં પદ્મશ્રી, 2016માં પદ્મભૂષણ અને તાજેતરમાં જ તેમને મહારાષ્ટ્ર સરકારના સર્વોચ્ચ સન્માન ‘મહારાષ્ટ્ર ભૂષણ’ થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. રામ સુતારના નિધનથી ભારતીય સાંસ્કૃતિક જગતે એક મહાન કલાસાધક ગુમાવ્યા છે. તેમની સર્જેલી અદભુત કૃતિઓ આવનારી અનેક પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.

સરહદો સુરક્ષિત: ભારત-પાક. સરહદે 93 ટકા તથા બાંગ્લાદેશ સરહદે 79 ટકા ફેન્સિંગનું કામ પૂર્ણ

સંબંધિત લેખો

Most Popular