PM મોદીએ બાંગ્લાદેશના નવા પ્રધાનમંત્રીને પત્ર લખ્યોઃ જાણો નરેન્દ્ર મોદીએ શું કહ્યું છે એ પત્રમાં?
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – PM Modi wrote a letter to the new Prime Minister of Bangladesh વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના નવનિયુક્ત પ્રધાનમંત્રીને એક પત્ર મોકલીને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ આ પત્ર દ્વારા ભારત-બાંગ્લાદેશ સંબંધને મજબૂત કરવા માટે આશાવાદ વ્યક્ત કર્યો છે.
બાંગ્લાદેશના નવનિયુક્ત વડાપ્રધાન તારિક રહેમાનને લખેલો આ પત્ર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા મારફત મોકલાવ્યો હતો. વાસ્તવમાં રહેમાનની શપથવિધિમાં અન્ય દેશોના વડા સહિત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું પરંતુ નવી દિલ્હીમાં હાલ ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય AI શિખર બેઠકમાં વ્યસ્તતાને કારણે પીએમ મોદી પોતે ઢાકા જઈ શક્યા નહોતા. તેમના સ્થાને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલવામાં આવ્યા હતા.
Just concluded a constructive meeting with Prime Minister of Bangladesh @trahmanbnp
I handed over a personal letter from Prime Minister @narendramodi conveying his wishes to PM Rahman and inviting him to visit India at the earliest convenience.
I extended warm congratulations… pic.twitter.com/gFNqLmnxsT
— Om Birla (@ombirlakota) February 17, 2026
શું લખ્યું છે આ પત્રમાં?
પીએમ મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાનને પાઠવેલા પત્રમાં લખ્યું છે કે, બાંગ્લાદેશમાં હાલમાં પૂરી થયેલી ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ની જીત તથા તમે બાંગ્લાદેશના વડાપ્રધાનપદે નિયુક્ત થયા તે બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. આ સર્વોચ્ચ હોદ્દાની જવાબદારી સંભાળવા માટે તમને સફળતા મળે તે માટે પ્રાર્થના કરું છું.
તમારો વિજય બાંગ્લાદેશના નાગરિકો દ્વારા તમારા નેતૃત્વ ઉપર મૂકવામાં આવેલા વિશ્વાસનું પ્રમાણ છે તથા શાંતિ, સ્થિરતા તેમજ સમૃદ્ધિની દિશામાં દેશને આગળ વધારવાના તમારા દૃષ્ટિકોણને મળેલો આ જનાદેશ છે. બે પાડોશી દેશ તરીકે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંયુક્ત ઇતિહાસ, સાંસ્કૃતિક સંબંધો તથા બંને દેશની પ્રજાની શાંતિ અને સમૃદ્ધિની આકાંક્ષાઓ ઉપરની મિત્રતા ગાઢ છે.
તારિક રહેમાનને લખેલા પત્રમાં પીએમ મોદીએ આગળ લખ્યું છે કે, “હું આપણા બહુઆયામી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા, પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપવા તથા કનેક્ટિવિટી, વેપાર, ટેકનોલોજી, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, ઉર્જા, આરોગ્ય સેવા તથા સાંસ્કૃતિક તેમજ જન-જન સંપર્ક જેવા વ્યાપક ક્ષેત્રોમાં આપણા સહિયારા લક્ષ્યોને આગળ વધારવા માટે તમારી સાથે નજીકથી કાર્ય કરવાની પ્રતીક્ષા કરી રહ્યો છું. બે ઝડપથી વધતી અર્થવ્યવસ્થાઓ અને મહત્વાકાંક્ષી સમાજો તરીકે ભારત અને બાંગ્લાદેશ એકબીજાના સતત વિકાસ માટે ખરેખર ઉત્પ્રેરક બની શકે છે, એકબીજાની સુરક્ષા માટે કાર્ય કરી શકે છે તથા પરસ્પર સમૃદ્ધિને સક્ષમ બનાવી શકે છે.”
તારિક રહેમાનને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું
“હું આ અવસરે તમને, ડૉ. ઝુબૈદા રહેમાન (પત્ની) તથા તમારી પુત્રી જૈમાની સાથે, કોઈપણ અનુકૂળ સમયે ભારતની મુલાકાત લેવા માટે આમંત્રિત કરું છું. ભારત તમારા માટે હાર્દિક સ્વાગત તૈયાર છે. કૃપા કરીને મારી શ્રેષ્ઠ શુભેચ્છાઓ સ્વીકારો. તમારા સ્વાસ્થ્ય, સફળતા તથા બાંગ્લાદેશની જનતાની નિરંતર પ્રગતિ અને સમૃદ્ધિની કામના સાથે – નરેન્દ્ર મોદી, વડાપ્રધાન, ભારત.”


