અંગદાન ક્ષેત્રે ભારતની ઐતિહાસિક સિદ્ધિ: ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા 20 હજાર પર પહોંચી
નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: ભારતે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે એક નવી ઊંચાઈ હાંસલ કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અંગદાન અને પ્રત્યારોપણના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ જોવા મળી છે. રાષ્ટ્રીય અંગ અને પેશી પ્રત્યારોપણ સંસ્થાના આંકડા દર્શાવે છે કે, ભારતમાં અંગદાન અને તેના વિતરણની વ્યવસ્થા અત્યંત મજબૂત બની છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ, વર્ષ 2013 માં દેશમાં પ્રત્યારોપણની કુલ સંખ્યા પાંચ હજારથી પણ ઓછી હતી, જે વર્ષ 2025માં રેકોર્ડ સ્તરે વધીને અંદાજે ૨20 હજાર સુધી પહોંચી ગઈ છે. આ સિદ્ધિ દર્શાવે છે કે દેશમાં તબીબી સુવિધાઓની સાથે જનજાગૃતિમાં પણ મોટો વધારો થયો છે. હાલમાં કુલ પ્રત્યારોપણના અંદાજે 18 ટકા કિસ્સાઓમાં મૃત દાતાઓ દ્વારા દાનમાં અપાયેલા અંગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં અંગદાનના પવિત્ર કાર્યનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. પીએમના આ સંદેશથી દેશભરમાં અંગદાન અભિયાનને વધુ વેગ મળવાની અપેક્ષા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે વર્ષ 2025માં 1200થી વધુ પરિવારોએ તેમના સ્વજનના મૃત્યુ બાદ અંગદાન કરવાનો હૃદયસ્પર્શી નિર્ણય લીધો હતો. સપ્ટેમ્બર 2023થી શરૂ કરાયેલી આધાર કાર્ડ આધારિત સત્યાપન પ્રણાલી દ્વારા અત્યાર સુધીમાં 48 લાખથી વધુ નાગરિકોએ મૃત્યુ પછી અંગ અને પેશી દાન કરવા માટે નોંધણી કરાવી છે.
ભારતે હવે હૃદય, ફેફસાં અને સ્વાદુપિંડ જેવા જટિલ અંગોના પ્રત્યારોપણમાં ઉચ્ચ સ્તરીય નિપુણતા મેળવી લીધી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ભારત ‘હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ’કરવામાં હાલ વિશ્વમાં અગ્રેસર છે. વિશ્વના અન્ય કોઈપણ દેશની સરખામણીમાં ભારતમાં સૌથી વધુ હાથના પ્રત્યારોપણ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા સતત આપવામાં આવતા પ્રોત્સાહન અને આરોગ્ય માળખાના મજબૂતીકરણને કારણે આ પરિણામો મળ્યા છે.


