ટીમ ઈન્ડિયાના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીના ફેન બન્યા પવન સિંહ
પટના, 24 ફેબ્રુઆરી 2026: ભોજપુરી સિનેમાના ‘પાવર સ્ટાર’ તરીકે ઓળખાતા પવન સિંહ ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે પોતાની કોઈ ફિલ્મ માટે નહીં પણ ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરવા બદલ. ઝિમ્બાબ્વેમાં અંડર-19 સ્તરે શાનદાર પ્રદર્શન કરી ભારતને ગૌરવ અપાવનાર વૈભવ સૂર્યવંશીના ડાન્સ વીડિયો પર પવન સિંહે પોતાની ખુશી વ્યક્ત કરી છે.
તાજેતરમાં ઝિમ્બાબ્વેમાં ખિતાબ જીત્યા બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં 14 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી પવન સિંહના સુપરહિટ ભોજપુરી ગીત પર જોરદાર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી, જેના પર હવે ખુદ ગાયક-અભિનેતા પવન સિંહે પ્રતિક્રિયા આપી છે.
એક ટીવી કાર્યક્રમ દરમિયાન પવન સિંહે જણાવ્યું હતું કે, “સમસ્તીપુરનો આ 14 વર્ષનો છોકરો (વૈભવ) ખૂબ જ અદ્ભુત કામ કરી રહ્યો છે. તેની સફળતા જોઈને મને મારી માટી પર ગર્વ થાય છે. જ્યારે વિજયના ઉત્સાહમાં ભોજપુરી ગીત વાગે છે, ત્યારે ખબર પડે છે કે આપણી સંસ્કૃતિ કેટલી વ્યાપક છે.” પવન સિંહે વધુમાં ઉમેર્યું કે, “વૈભવ મારા નાના ભાઈ જેવો છે. હું ઈચ્છીશ કે તે ભવિષ્યમાં આ રીતે જ પ્રગતિ કરતો રહે અને સમગ્ર ભારતનું નામ રોશન કરે.”
અત્રે ઉલ્લેખનીય છે કે વૈભવ સૂર્યવંશી પોતાની નાની ઉંમરે ક્રિકેટના મેદાનમાં મોટા રેકોર્ડ્સ બનાવવા માટે જાણીતો બન્યો છે અને પવન સિંહ જેવા દિગ્ગજ કલાકારના સમર્થનથી તેના ચાહકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ તમિલનાડુને ૫૫૮ મેગાવોટ વીજળી પૂરી પાડવા અદાણી પાવરને લેટર ઓફ એવોર્ડ


