ફાઈટર હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મૂ
જેસલમેર, 27 ફેબ્રુઆરી 2026: ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય વાયુસેનાના પ્રચંડ યુદ્ધાભ્યાસ ‘વાયુશક્તિ-2026’ના સાક્ષી બનવા પહોંચેલા રાષ્ટ્રપતિએ સ્વદેશી બનાવટના હળવા લડાકુ હેલિકોપ્ટર ‘પ્રચંડ’ માં વિશેષ ઉડાન ભરી હતી. આ સાથે જ તેઓ આ અત્યાધુનિક હેલિકોપ્ટરમાં ઉડાન ભરનારા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે.
શુક્રવારે સવારે જ્યારે રાષ્ટ્રપતિ જેસલમેર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા ત્યારે તેઓ ફ્લાઈંગ હેલ્મેટ અને ફ્લાઈટ સૂટમાં સજ્જ જોવા મળ્યા હતા. તેમની આ ઉડાન બે ‘પ્રચંડ’ હેલિકોપ્ટરના સમૂહમાં કરવામાં આવી હતી, જેમાં બીજા હેલિકોપ્ટરમાં વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી. સિંહ સવાર હતા. આ ઉડાન ભારતની વધતી જતી સંરક્ષણ ક્ષમતા અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. પ્રચંડ’ હેલિકોપ્ટર સંપૂર્ણપણે ભારતમાં વિકસિત લડાકુ હેલિકોપ્ટર છે. તે વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રોમાં પણ સરળતાથી કામગીરી કરી શકે છે. તે દુશ્મનના રડારને થાપ આપવામાં અને સચોટ નિશાન સાધવામાં માહિર છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અગાઉ પણ અનેક સૈન્ય પ્લેટફોર્મ પર પોતાની હાજરી નોંધાવી ચૂક્યા છે. ડિસેમ્બર માસમાં તેમણે કરવાર નેવલ બેઝ પરથી કલવરી ક્લાસની સબમરીનમાં સફર કરી હતી. ડો. એ.પી.જે. અબ્દુલ કલામ બાદ આવું કરનારા તેઓ બીજા રાષ્ટ્રપતિ બન્યા હતા. ઓક્ટોબર 2025માં અંબાલા એરફોર્સ સ્ટેશનથી તેમણે રાફેલમાં ઉડાન ભરી હતી. એપ્રિલ 2023માં આસામના તેજપુર ખાતેથી તેમણે સુખોઈમાં સફર કરી વાયુસેનાના જવાનોનું મનોબલ વધાર્યું હતું.
જેસલમેરમાં આયોજિત આ અભ્યાસમાં ભારતીય વાયુસેનાના વિવિધ લડાકુ વિમાનો, હેલિકોપ્ટરો અને મિસાઈલ સિસ્ટમ્સ પોતાની ચોકસાઈ અને મારક ક્ષમતાનું પ્રદર્શન કરી રહ્યા છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે રાષ્ટ્રપતિની આ સતત સક્રિયતા અને સૈન્ય સાધનોનો ઉપયોગ ભારતની સંરક્ષણ નિર્માણની પ્રક્રિયાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે. આ ઐતિહાસિક ઉડાન બાદ રાષ્ટ્રપતિએ ભારતીય વાયુસેનાની શિસ્ત, ટેકનિકલ કુશળતા અને સમર્પણની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.
આ પણ વાંચોઃ તાલિબાની સેનાના વળતા પ્રહારમાં 55થી વધુ પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો


