ગાઝિયાબાદ એન્કાઉન્ટર: યુટ્યુબર સલીમ વાસ્તિક પર હુમલો કરનાર બીજો આરોપી ગુલફામ પણ ઠાર
ગાઝિયાબાદ, 4માર્ચ 2026 : પ્રખ્યાત યુટ્યુબર સલીમ વાસ્તિક પર પેપર કટરથી જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપી અને રૂ. 1 લાખનો ઈનામી બદમાશ ગુલફામ મંગળવારે રાત્રે પોલીસ મઠભેડમાં માર્યો ગયો છે. ઈન્દિરાપુરમ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સાથે થયેલા આ સામસામા ફાયરિંગમાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
27 ફેબ્રુઆરીના રોજ સલીમ વાસ્તિક પર થયેલા હુમલા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સખત નારાજગી વ્યક્ત કરી હતી અને ગુનેગારોને પાઠ ભણાવવા આદેશ આપ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હુમલાખોર બે ભાઈઓ ગુલફામ અને જીશાનની ઓળખ કરી હતી અને બંને પર 1-1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 1 માર્ચના રોજ લોની વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં પોલીસે નાના ભાઈ જીશાનને ઠાર માર્યો હતો. તે સમયે મોટો ભાઈ ગુલફામ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો.


