Homeગુજરાતીહરિવંશ સિંઘ સતત ત્રીજીવાર રાજ્યસભાના ઉપસભાપતિ પદે બિનહરીફ ચૂંટાયા, પીએમ મોદીએ શુભેચ્છા...

હરિવંશ સિંઘ સતત ત્રીજીવાર રાજ્યસભાના ઉપસભાપતિ પદે બિનહરીફ ચૂંટાયા, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: રાજ્યસભામાં શુક્રવારે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં મનોનીત સભ્ય હરિવંશ નારાયણ સિંઘને ફરી એકવાર ગૃહના ઉપસભાપતિ તરીકે બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા છે. પત્રકારત્વમાંથી રાજકારણમાં આવેલા હરિવંશજીનો ઉપસભાપતિ તરીકે આ સતત ત્રીજો કાર્યકાળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિમણૂકને વધાવતા તેમને ઉષ્માભર્યા અભિનંદન પાઠવ્યા હતા અને તેમની કાર્યશૈલીની રજૂઆત કરી હતી.

હરિવંશજીની વરણી પર બોલતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, “સતત ત્રીજી વખત આ પદ પર ચૂંટાવું એ દર્શાવે છે કે સમગ્ર સદનને હરિવંશજી પર કેટલો ઊંડો ભરોસો છે. તેમણે પોતાના અગાઉના કાર્યકાળમાં દરેક પક્ષને સાથે લઈને ચાલવાનો સફળ પ્રયાસ કર્યો છે અને તેમના બહોળા અનુભવનો લાભ સમગ્ર ગૃહને મળ્યો છે.”

પીએમ મોદીએ હરિવંશજીના જીવનના સંઘર્ષ અને આદર્શોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમનો પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરજી સાથે ગાઢ સંબંધ રહ્યો છે. સંજોગવશાત, 17 એપ્રિલે જ ચંદ્રશેખરજીની જન્મજયંતિ છે. હરિવંશજીએ ચંદ્રશેખરજીના જીવન પર પુસ્તકો લખીને તેમના વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવાનું મોટું કામ કર્યું છે.

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે, “હરિવંશજીનો જન્મ લોકનાયક જયપ્રકાશ નારાયણ (જેપી) ના ગામમાં થયો છે અને તેમનો ઉછેર ગ્રામીણ વાતાવરણમાં થયો છે. કાશીમાં અભ્યાસ કરનાર હરિવંશજીએ પત્રકારત્વના ક્ષેત્રમાં હંમેશા ઉચ્ચ માપદંડો સ્થાપિત કર્યા છે. તેમની લેખણી ધારદાર છે, પરંતુ બોલવાની શૈલી હંમેશા શાંત અને સંયમિત રહી છે.”

અત્રે ઉલ્લેખનીય છે કે હરિવંશજીનો રાજ્યસભાનો કાર્યકાળ 9 એપ્રિલના રોજ પૂર્ણ થતા ઉપસભાપતિનું પદ ખાલી પડ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને ફરી રાજ્યસભામાં મનોનીત કર્યા હતા અને તેમણે 10 એપ્રિલે શપથ લીધા હતા. શુક્રવારે કેન્દ્રીય મંત્રી અને સદનના નેતા જે.પી. નડ્ડાએ હરિવંશજીના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને એસ. ફાંગ્નોન કોન્યાકે સમર્થન આપ્યું હતું. અંતે તેઓ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

આ પણ વાંચોઃ હોર્મુઝ સ્ટ્રેટમાં હુમલા અંગે ભારતની ચિંતા: સુરક્ષા પરિષદમાં રશિયા-ચીનના વીટો પર તટસ્થ વલણ જાળવ્યું

સંબંધિત લેખો

Most Popular