HomeAgency Newsવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8.30 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે, મહિલા અનામત...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8.30 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે, મહિલા અનામત ખરડા વિશે બોલી શકે છે

નવી દિલ્હી, 18 એપ્રિલ, 2026 – વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે રાત્રે 8.30 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરવાના છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, શુક્રવારે લોકસભામાં નારી શક્તિ અભિનંદન ખરડો પસાર નહીં થઈ શક્યો એ સંદર્ભે વડાપ્રધાન રાષ્ટ્ર સમક્ષ ભાજપ-એનડીએનું વલણ રજૂ કરશે.

ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ સુધી લોકસભામાં નારી શક્તિ અભિનંદન ખરડો અર્થાત લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરતા ખરડા ઉપર વ્યાપક ચર્ચા થઈ હતી. વાસ્તવમાં આ અંગેનો કાયદો નવા સંસદભવનની સૌપ્રથમ બેઠકમાં વિશેષ સત્ર બોલાવીને પસાર કરવામાં આવ્યો હતો. 2023માં આ વિશેષ સત્રમાં તમામ રાજકીય પક્ષોના સમર્થનથી આ કાયદો પસાર થયો હતો.

આ પણ વાંચોઃ અમૃતા ફડણવીસનો દાવો: એક્સિસ બેંકમાં પણ TCS જેવું જ થયું હતું

જોકે, તે સમયે પસાર થયેલા કાયદામાં એવી જોગવાઈ હતી કે, દેશમાં વસ્તી ગણતરી થઈ જાય ત્યારપછી તેના આધાર ઉપર મહિલાઓ માટે અનામતની જોગવાઈ કરવામાં આવશે. એ સમયે વસ્તી ગણતરીમાં જાતિગત ગણતરીની વાત નહોતી. અલબત્ત, ત્યારબાદ વિરોધ પક્ષોના ભારે દબાણ હેઠળ સરકારે જાતિગત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો, પરિણામે હવે 2023માં પસાર થયેલા કાયદામાં સુધારો કરવાની જરૂર ઊભી થઈ છે.

16 અને 17 એપ્રિલે લોકસભામાં જે મહિલા અનામત ખરડા વિશે ચર્ચા થઈ તેમાં સરકારની રજૂઆત એવી હતી કે, આ સુધારા ખરડો પસાર કરીને લોકસભાની આગામી ચૂંટણીમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવે. એ માટે દેશના પ્રત્યેક રાજ્યમાં લોકસભાની હાલની બેઠકની સરખામણીમાં 50 ટકા બેઠકોનો વધારો થશે.

પક્ષ –  વિપક્ષ સામસામે

વડાપ્રધાન સહિત સત્તાધારી એનડીએના મંત્રીઓ અને સાંસદોએ આ સંદર્ભમાં ચર્ચા દરમિયાન વિપક્ષોને આ વાત સમજાવવા પૂરા પ્રયાસ કર્યા છતાં વિપક્ષો આ વખતે મહિલા અનામત ખરડાને સમર્થન આપવા તૈયાર નહોતા.

વિપક્ષોની દલીલ હતી કે અગાઉ 2023માં બની ગયેલો કાયદો તત્કાળ લાગુ કરવો હોય તો તેમાં સુધારો કરીને લાગુ કરવામાં આવે તો વિપક્ષો તેને સમર્થન આપવા તૈયાર હતા.

પરંતુ જો એમ કરવામાં આવે તો નવા ડીલિમિટેશન અર્થાત પરિસીમન દરમિયાન અમુક રાજ્યોમાં લોકસભાની બેઠકો ઘટી શકે જ્યારે અમુક રાજ્યોમાં એ બેઠકો વધી શકે તેમ છે. આ કારણે મહિલાઓને અનામતનો લાભ મળવાની સંભાવના ઘટી જતી હતી. તેથી સરકાર જૂના પરિસીમન અનુસાર પ્રત્યેક રાજ્યમાં બેઠકોની સંખ્યા 50 ટકા વધારીને મહિલાઓને અનામતનો લાભ આપવા માગતી હતી.

પરંતુ ગઈકાલે શુક્રવારે એ ખરડો પસાર નહીં થતા મહિલા અનામતની જોગવાઈ કરવાના તમામ પ્રયાસ હાલ પડી ભાંગ્યા છે.

આ જ કારણે ભારતીય જનતા પાર્ટીએ આજથી અર્થાત શનિવારથી દેશમાં વિપક્ષના અને ખાસ કરીને કોંગ્રેસના મહિલા અનામત વિરોધી વલણને ખૂલ્લું પાડવાનું નક્કી કર્યું છે. આજે પહેલા કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજ્જીજુએ અને ત્યારબાદ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદો યોજીને વિપક્ષોના આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા અને વિપક્ષોને કારણે દેશની મહિલાઓ સાથે અન્યાય થયો છે તેમ જણાવ્યું હતું.

એ સંજોગોમાં એવું માનવામાં આવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજનું સંબોધન એ જ મુદ્દા ઉપર હશે. તેઓ કોંગ્રેસ સહિત વિપક્ષોને મહિલા અનામત વિરોધી ગણાવવા પ્રયાસ કરશે એવી પૂરી શક્યતા છે.

સંબંધિત લેખો

Most Popular