1. Home
  2. ગુજરાતી
  3. ઈરાનનો લલકાર: હોર્મુઝની સુરક્ષા મફત સેવા નથી, ક્રૂડ ઓઈલના ભાવમાં 8 ટકાનો વધારો
ઈરાનનો લલકાર: હોર્મુઝની સુરક્ષા મફત સેવા નથી, ક્રૂડ ઓઈલના ભાવમાં 8 ટકાનો વધારો

ઈરાનનો લલકાર: હોર્મુઝની સુરક્ષા મફત સેવા નથી, ક્રૂડ ઓઈલના ભાવમાં 8 ટકાનો વધારો

0
Social Share

તેહરાન, 20 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે. અમેરિકા દ્વારા કરવામાં આવેલી દરિયાઈ નાકાબંધીના જવાબમાં ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાને સ્પષ્ટ જાહેરાત કરી છે કે, જ્યાં સુધી હોર્મુઝની સામુદ્રધુની પરથી નાકાબંધી હટાવવામાં નહીં આવે, ત્યાં સુધી તે કોઈ પણ પ્રકારની મંત્રણા કે વાતચીતમાં ભાગ લેશે નહીં. આ તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 8 ટકા સુધીનો વધારો ઝીંકાયો છે.

ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રઝા અરેફે આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “હોર્મુઝની સામુદ્રધુનીમાં સુરક્ષા પૂરી પાડવી એ કોઈ મફત સેવા નથી. જ્યાં સુધી ઈરાનના તેલ નિકાસ પર પ્રતિબંધ રહેશે, ત્યાં સુધી અન્ય દેશોને પણ અહીં મફત સુરક્ષા નહીં મળે.” તેમણે વધુમાં ઉમેર્યું કે હવે દુનિયા પાસે બે જ વિકલ્પો છે, પ્રથમ તેલ બજાર તમામ દેશો માટે ખુલ્લું રાખવામાં આવે અથવા તો તમામ પક્ષો આ પરિસ્થિતિની ભારે કિંમત ચૂકવવા તૈયાર રહે.

એક તરફ ઈરાન નમતું જોખવા તૈયાર નથી, તો બીજી તરફ અમેરિકા રાજદ્વારી સ્તરે સક્રિય થયું છે. અમેરિકાનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ આજે સાંજે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચવાનું છે. અહીં પ્રાદેશિક સુરક્ષા અને ઈરાન-અમેરિકા તણાવ અંગે મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ થવાની શક્યતા છે. પાકિસ્તાનની ભૂમિકા આ સંકટમાં મધ્યસ્થી તરીકે અથવા વ્યૂહાત્મક ભાગીદાર તરીકે શું રહેશે તેના પર વિશ્વની નજર છે.

હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના તેલ વેપાર માટે જીવનરેખા સમાન છે. વિશ્વના કુલ તેલ વેપારનો અંદાજે ચોથો ભાગ (25 ટકા) આ સાંકડા દરિયાઈ માર્ગેથી પસાર થાય છે. જો ઈરાન અહીં સ્થિતિ વધુ વણસાવે તો વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાઈ શકે છે, જેની સીધી અસર ભારત સહિત તમામ દેશોના ઈંધણના ભાવ પર પડશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code