1. Home
  2. ગુજરાતી
  3. બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની TMCમાં ભંગાણ, 101 કોર્પોરેટકના રાજીનામા
બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની TMCમાં ભંગાણ, 101 કોર્પોરેટકના રાજીનામા

બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની TMCમાં ભંગાણ, 101 કોર્પોરેટકના રાજીનામા

0
Social Share

કોલકાતા, 26 મે 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કરારી હાર બાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે. બંગાળમાં સત્તા પરિવર્તન થતાં જ તૃણમૂલ કોંગ્રેસ અત્યાર સુધીના સૌથી મોટા રાજકીય સંકટમાંથી પસાર થઈ રહી છે. રાજ્યની અલગ-અલગ નગરપાલિકાઓમાંથી તૃણમૂલના 101 કોર્પોરેટરોએ પોતાના પદો પરથી રાજીનામા આપી દીધા છે.

ચૂંટણી પરિણામો બાદ પાર્ટીમાં આંતરિક કલહ, પક્ષપલટો અને બગાવત ચરમસીમાએ પહોંચી ગઈ છે. આ સિવાય ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર વસૂલાત જેવા ગંભીર આરોપો હેઠળ પાર્ટીના 17 કોર્પોરેટર અને સ્થાનિક નેતાઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આ જ કારણે પાર્ટી પાયાના સ્તરે નબળી પડી રહી છે અને ગંભીર કટોકટીનો સામનો કરી રહી છે.

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ સામૂહિક રાજીનામા આપ્યા છે, ભટપારામાં 30, ગારુલિયામાં 18, હાલિસહારમાં 16, ઉત્તર બેરકપુરમાં 15, કોન્ટાઈમાં 14, ડાયમંડ હાર્બરમાં 8 એમ લગભગ 101 જેટલા કોર્પોરેટર/નગરસેવકોએ રાજીનામા આપી દીધા છે. ટીએમસીનો ગઢ ગણાતી ડાયમંડ હાર્બર નગરપાલિકામાં તૃણમૂલ કોંગ્રેસના 8 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામા ધરી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાંથી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સાંસદ છે. બંગાળમાં સત્તા પરિવર્તન થયા બાદ ટીએમસી નગરપાલિકા અને બૂથ સ્તરે પાર્ટી સતત નબળી પડી રહી છે.

2011માં મમતાએ ડાબેરી શાસનનો કર્યો હતો અંત

વર્ષ 2011માં પશ્ચિમ બંગાળમાં 35 વર્ષના ડાબેરી શાસનનો અંત આણીને સત્તા પર આવનાર મમતા બેનર્જીને વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. રાજ્યમાં પહેલીવાર ભાજપની સરકાર બની છે. 15 વર્ષ સુધી બંગાળની સત્તા પર કાબિજ રહેલા મમતા સામે આ સમયે પાર્ટીને સંગઠિત રાખવાનો સૌથી મોટો પડકાર છે.

તાજેતરમાં જ પક્ષના નેતાઓ સાથેની એક બેઠકમાં મમતા બેનર્જીએ આકરા તેવર બતાવતા કહ્યું હતું કે, “જે નેતાઓને પાર્ટી છોડીને જવું હોય તે જઈ શકે છે, મને કોઈના જવાથી કોઈ ફરક પડતો નથી. હું મારા દમ પર પક્ષને ફરીથી બેઠો કરી લઈશ.” સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ પક્ષમાં ચાલી રહેલી બગાવતથી નારાજ છે, પરંતુ હાર માનવા તૈયાર નથી. હવે જોવાનું એ રહેશે કે મમતા બેનર્જી આ સંકટમાંથી ટીએમસીને કેવી રીતે બહાર લાવે છે.

(PHOTO-FILE)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code