હમાસના નવા સૈન્ય પ્રમુખ મુહમ્મદ ઓદિહને ઈઝરાયલે ઠાર માર્યો
તેલ અવીવ, 27 મે 2026: ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈઝરાયેલી સંરક્ષણ દળોએ હમાસને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. ઈઝરાયેલે હમાસની સૈન્ય પાંખના નવા નિમાયેલા પ્રમુખ મુહમ્મદ ઓદિહને એક સચોટ સૈન્ય ઓપરેશનમાં ઠાર માર્યો છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાત્ઝના સીધા નિર્દેશો પર આ સખત કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશનની સફળતા અંગે ઈઝરાયેલી વડાપ્રધાન કાર્યાલય દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
માહિતી અનુસાર, મુહમ્મદ ઓદિહ 7 ઓક્ટોબર 2023 ના રોજ ઈઝરાયેલ પર થયેલા ભીષણ નરસંહાર અને આતંકવાદી હુમલા દરમિયાન હમાસની ગુપ્તચર શાખાનો વડો હતો. તે હમાસના નૌકાદળના કમાન્ડર તરીકે પણ સક્રિય હતો અને તેણે ઈઝરાયેલ વિરુદ્ધ અનેક મોટા આતંકી હુમલાઓનું કાવતરું ઘડ્યું હતું. અત્રે નોંધનીય છે કે, લગભગ બે અઠવાડિયા પહેલા એડીએફના હુમલામાં માર્યા ગયેલા ઇજ્જેદિન અલ-હદાદના સ્થાને ઓદિહની માત્ર એક અઠવાડિયા પહેલા જ આ પદ પર નિમણૂક કરવામાં આવી હતી. ઓદિહ અસંખ્ય ઈઝરાયેલી નાગરિકો અને સૈનિકોની હત્યા તેમજ તેમના અપહરણની ઘટનાઓમાં સીધો જવાબદાર હતો.
આ સફળ ઓપરેશન બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પર ઈઝરાયેલનો સંકલ્પ દોહરાવતા લખ્યું હતું કે, “અમે હવે હમાસની સૈન્ય પાંખના વડા અને 7 ઓક્ટોબરના નરસંહારના મુખ્ય સુત્રધારોમાંના એક મુહમ્મદ ઓદિહનો સફાયો કર્યો છે. અમે ઈઝરાયેલના ગુનેગાર એવા તમામ આતંકીઓ સુધી પહોંચીશું અને તેમને તેમના અંજામ સુધી પહોંચાડીશું.”
બીજી તરફ, આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો અનુસાર ગાઝા ઉપરાંત ઈઝરાયેલે દક્ષિણ લેબનોનમાં પણ પોતાના સૈન્ય અભિયાનોને અત્યંત વેગવંતા બનાવ્યા છે. ઈઝરાયેલી વાયુસેનાએ લેબનોનના જુદા જુદા વિસ્તારોમાં ભીષણ હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે, જેમાં અનેક આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત થયા હોવાના અને જાનહાનિના અહેવાલો છે. વડાપ્રધાન નેતન્યાહૂએ તાજેતરમાં જ હિઝબુલ્લાહ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી વધુ તીવ્ર કરવાના આદેશ આપ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ઈઝરાયેલ હાલ હિઝબુલ્લાહ સાથે આરપારની લડાઈ લડી રહ્યું છે અને તાજેતરના અઠવાડિયામાં જ ૬૦૦ થી વધુ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.


