1. Home
  2. ગુજરાતી
  3. NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: જવાબદારી નક્કી કરો, UPSC માં ક્યારેય આવી સમસ્યા નથી થતી
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: જવાબદારી નક્કી કરો, UPSC માં ક્યારેય આવી સમસ્યા નથી થતી

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: જવાબદારી નક્કી કરો, UPSC માં ક્યારેય આવી સમસ્યા નથી થતી

0
Social Share

નવી દિલ્હી. 29 મે 2026: દેશની સૌથી મોટી તબીબી પ્રવેશ પરીક્ષા નીટ પેપર લીક મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અત્યંત આકરી ટિપ્પણીઓ કરી છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે નીટ પેપર કેવી રીતે લીક થયું તેની જવાબદારી નક્કી થવી જ જોઈએ. જસ્ટિસ નરસિમ્હાની ખંડપીઠે નિષ્ણાત સમિતિના અધ્યક્ષને સવાલ કર્યો હતો કે, “જ્યારે તમામ ભલામણો લાગુ કરવામાં આવી હતી, તો પછી આટલી મોટી નિષ્ફળતા કેવી રીતે થઈ? આખરે સત્ય શું છે?”

સુપ્રીમ કોર્ટે હાઈ પાવર્ડ કમિટીના અધ્યક્ષ ડૉ. રાધાકૃષ્ણનને ઘેરતા કહ્યું કે, “તમારી દેખરેખ હોવા છતાં જો આવી ઘટના ઘટી છે, તો કાં તો ભલામણોમાં જ કોઈ ખામી છે અથવા તો યોગ્ય રીતે મોનિટરિંગ થયું જ નથી.” કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે આ યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો અત્યંત સંવેદનશીલ મામલો છે અને આની પાછળની અસલી હકીકત સામે આવવી જ જોઈએ.

સુનાવણી દરમિયાન સમિતિના અધ્યક્ષ ડૉ. રાધાકૃષ્ણનને કોર્ટને જણાવ્યું કે, “અમે એનટીએને મજબૂત કરવા માટે 60 સૂચનો આપ્યા હતા, જેમાંથી મોટાભાગના લાગુ થઈ ચૂક્યા છે અને બાકીના પ્રક્રિયા હેઠળ છે. વર્ષ 2025 ની નીટ યુજી પરીક્ષા સંતોષજનક રહી હતી. પ્રશ્ન પેપરમાં ગેરરીતિનો હતો, પરંતુ અમે આગામી મહિને યોજાનારી રી-નીટ પરીક્ષા માટે તમામ કડક ઉપાયો અને પગલાં લીધા છે.”

  • સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ અને ડેડલાઈન

જસ્ટિસ નરસિમ્હાએ આ દલીલો સામે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે જ્યાં સુધી વાસ્તવિક જવાબદારી નક્કી નહીં થાય, ત્યાં સુધી અસલી સમસ્યા હલ નહીં થાય. સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી કરી હતી કે, “યુપીએસસીની પરીક્ષાઓમાં ક્યારેય આવી સમસ્યાઓ આવતી નથી, આ તમારે સમજવું પડશે. આપણી મોટાભાગની સંસ્થાઓની સમસ્યા એ છે કે ત્યાં ક્ષમતા કોઈ એક વ્યક્તિમાં હોય છે, સંસ્થામાં નહીં. ક્ષમતા સંસ્થાકીય હોવી જોઈએ જેથી જ્ઞાન અને વ્યવસ્થા કાયમી બને.” એસજી મહેતાએ આ દરમિયાન રેલવે પરીક્ષાઓનું ઉદાહરણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે આગામી પરીક્ષાઓ માટે ઉચ્ચ સ્તરે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

જસ્ટિસ નરસિમ્હાએ પોતાના આદેશમાં નોંધ્યું છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય આ મામલે એક વિસ્તૃત સોગંદનામું દાખલ કરે. આ સોગંદનામામાં ભવિષ્યમાં પરીક્ષા પ્રક્રિયા કેવી રીતે અને કઈ રીતે સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવશે?, નિષ્ણાતોની નિમણૂક અને સંસ્થાકીય વિવિધતા દ્વારા પરીક્ષા એજન્સીની સાતત્યતા કેવી રીતે અકબંધ રખાશે? તેમજ તે સુનિશ્ચિત કરવું કે એનટીએ પાસે 2024 કે 2026ની પરીક્ષાઓ સુરક્ષિત રીતે આયોજિત કરવા માટે પૂરતા ભૌતિક અને બૌદ્ધિક સંસાધનો ઉપલબ્ધ હોય જેવા મુદ્દા સ્પષ્ટ કરવાના રહેશે.

કોર્ટે આ સોગંદનામું 2 જુલાઈ 2026 પહેલા રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન જ્યારે એસજી મહેતાએ જણાવ્યું કે વડાપ્રધાન પોતે આ મામલાની દેખરેખ રાખી રહ્યા છે, ત્યારે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, “જો આ સ્તરે આની દેખરેખ રાખવી પડતી હોય, તો આ સ્થિતિ અત્યંત દુઃખદ છે.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code