નવી દિલ્હી, 9 જૂન 2026: મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે આગામી 21 જૂનના રોજ યોજાનારી NEET-UG ની પરીક્ષાને પેપરલીકથી બચાવવા માટે કેન્દ્ર સરકારે અભૂતપૂર્વ અને ઐતિહાસિક સુરક્ષા પ્લાન તૈયાર કર્યો છે. આ વખતે પરીક્ષાના પ્રશ્નપત્રો દિલ્હીથી દેશના 18 અલગ-અલગ લોકેશન પર ભારતીય વાયુસેનાના શક્તિશાળી ‘Mi-17’ હેલિકોપ્ટર દ્વારા પહોંચાડવામાં આવશે. ત્યાંથી આ પ્રશ્નપત્રોને સેનાના લોજિસ્ટિક સેન્ટર અને ત્યારબાદ દેશભરના ૫૫૧ પરીક્ષા કેન્દ્રો સુધી સંપૂર્ણ સુરક્ષિત રીતે પહોંચાડવાની મહત્વની જવાબદારી ભારતીય સેના અને અર્ધલશ્કરી દળોને સોંપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર ‘ઓપરેશન NEET’ પાર પાડવામાં આવી રહ્યું છે. પરીક્ષાની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે આ વખતે ખાનગી એજન્સીઓના બદલે સંપૂર્ણપણે સરકારી તંત્રનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.
દેશના ઇતિહાસમાં પ્રથમ વખત સરકારી કોલેજોના પ્રોફેસરો અને વરિષ્ઠ શિક્ષકો પાસે જ પ્રશ્નપત્રો તૈયાર કરાવવામાં આવ્યા છે. ત્યારબાદ હિન્દી અને અંગ્રેજી સહિત કુલ ૧૩ પ્રાદેશિક ભાષાઓમાં તેનું ભાષાંતર કરવામાં આવ્યું છે. આ અનુવાદ પ્રક્રિયામાં ‘ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન’ અને કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયની અત્યાધુનિક લેંગ્વેજ ટ્રાન્સલેશન ટેકનોલોજીની મદદ લેવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ આખી પ્રક્રિયામાં સરકાર સિવાયના કોઈ પણ બહારના કે ખાનગી વ્યક્તિને સામેલ કરવામાં આવ્યા નથી. કેન્દ્રીય નાણા મંત્રાલય માટે દેશનું સામાન્ય બજેટ તૈયાર કરનારી કોર-ટીમ પણ આ કામમાં સીધી રીતે જોડાયેલી છે. કુલ ૨૩ લાખ પ્રશ્નપત્રો છાપવાના છે, અને જે રીતે દેશનું બજેટ બનાવતી વખતે સખત ગુપ્તતા રાખવામાં આવે છે, બરાબર એ જ તર્જ પર આ પ્રશ્નપત્રો તૈયાર કરાયા છે.
લોજિસ્ટિક સેન્ટરથી પરીક્ષા કેન્દ્ર સુધી GPS અને લાઇવ કેમેરાથી મોનિટરિંગ
પ્રશ્નપત્રોને સુરક્ષિત રીતે ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં શિક્ષણ મંત્રાલય, સંચાર મંત્રાલય હેઠળનો ટપાલ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે. આ સમિતિ સીધી વડાપ્રધાન કાર્યાલય અને કેબિનેટ સચિવાલયને રિપોર્ટ કરશે. હેલિકોપ્ટર અને વિમાનમાંથી પેપર ઉતાર્યા બાદ, પ્રશ્નપત્રોના સ્ટીલ બોક્સને સેનાના લોજિસ્ટિક સેન્ટર સુધી લઈ જવામાં આવશે. ટપાલ વિભાગ અને સેનાના જે વાહનો દ્વારા આ પેપર પરીક્ષા કેન્દ્રો સુધી જશે, તે તમામ વાહનો GPS સિસ્ટમ અને હાઇ-ટેક લાઇવ કેમેરાથી સજ્જ હશે, જેથી દિલ્હીથી તેની દરેક સેકન્ડની હિલચાલ પર નજર રાખી શકાય.
દિલ્હી હેડક્વાર્ટરથી કમાન્ડ મળશે ત્યારે જ ડિજિટલ પાસવર્ડથી બોક્સ ખૂલશે
પરીક્ષા શરૂ થવાની ક્ષણ સુધી આ સ્ટીલ બોક્સની સુરક્ષા સેનાના સશસ્ત્ર જવાનો કરશે. આ બોક્સ કોઈ પણ વ્યક્તિ પોતાની મરજીથી ખોલી શકશે નહીં. પરીક્ષાના દિવસે દિલ્હી હેડક્વાર્ટરથી કમાન્ડ મળ્યા બાદ જ ખાસ ડિજિટલ પાસવર્ડ દ્વારા આ બોક્સ ખોલી શકાશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પાસવર્ડ સમય અને દિવસના આધારે આપોઆપ બદલાઈ જશે. પેપરની સીલ ખોલતી વખતે કેન્દ્રના અધિકૃત સરકારી અધિકારીઓ જ હાજર રહેશે, જેમને ખાસ ફોટો ઓળખપત્ર અને વન-ટાઇમ પાસવર્ડ આપવામાં આવશે.

