1. Home
  2. revoinews
  3. બળવાખોર સાંસદો સામે મમતાના વફાદારો મેદાને, કલ્યાણ બેનર્જી અને કીર્તિ આઝાદે બળવાખોરોને ગદ્દાર ગણાવ્યા
બળવાખોર સાંસદો સામે મમતાના વફાદારો મેદાને, કલ્યાણ બેનર્જી અને કીર્તિ આઝાદે બળવાખોરોને ગદ્દાર ગણાવ્યા

બળવાખોર સાંસદો સામે મમતાના વફાદારો મેદાને, કલ્યાણ બેનર્જી અને કીર્તિ આઝાદે બળવાખોરોને ગદ્દાર ગણાવ્યા

0
Social Share

નવી દિલ્હી, 9 જૂન 2026: પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસની અંદર લાંબા સમયથી ચાલી રહેલો અસંતોષ હવે ખુલ્લા રાજકીય જંગમાં ફેરવાઈ ગયો છે. પાર્ટીના કેટલાક સાંસદોએ બળવાખોર વલણ અપનાવ્યા બાદ હવે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના નેતાઓએ મોરચો સંભાળી લીધો છે. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી અને કીર્તિ આઝાદે બાગી નેતાઓ પર આકરા પ્રહારો કરતા તેમને ‘ગદ્દાર’, ‘સત્તાના ભૂખ્યા’ અને ભાજપના પ્યાદા ગણાવ્યા છે. બંને વરિષ્ઠ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, ભાજપ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટીને નબળી પાડવા માટે અંદરખાને તોડફોડ કરવાનો પ્રયાસ કરી રહી છે.

નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા કલ્યાણ બેનર્જીએ જણાવ્યું હતું કે, બળવાખોર સાંસદો પોતાની રાજકીય નૈતિકતા ગુમાવી ચૂક્યા છે. જો કોઈ નેતાને પાર્ટી સામે ફરિયાદ હોય, તો તેણે તાત્કાલિક સાંસદ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે પૂર્વ રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રાયનું ઉદાહરણ આપતા કહ્યું કે, તેમણે આરોપો લગાવતા પહેલા રાજીનામું આપ્યું હતું, તેથી બાકીના બાગી સાંસદોએ પણ એ જ રસ્તો અપનાવવો જોઈએ. કલ્યાણ બેનર્જીએ દાવો કર્યો હતો કે બાગી જૂથ પાસે પક્ષપલટા વિરોધી કાયદાથી બચવા માટે જરૂરી સંખ્યા બળ નથી.

કલ્યાણ બેનર્જીએ બળવાખોર નેતાઓ ઉપર આરોપ લગાવ્યો હતો કે, બળવાખોર સાંસદો પાસે પક્ષપલટા વિરોધી કાયદાથી બચવા માટે પૂરતી સંખ્યા નથી. બળવાખોર નેતાઓએ મમતા બેનર્જીનો સાથ છોડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના નેતા માની લીધા છે. ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવના ઘરે ગયા બાદ બાગીઓની દાનત સાફ થઈ ગઈ છે. આ તમામ નેતાઓ ગદ્દાર અને સત્તાના ભૂખ્યા છે, જેઓ ભાજપના ઈશારે ટીએમસીને નબળી પાડી રહ્યા છે. ભાજપ પાસે ભલે ઈડી, સીબીઆઈ અને સત્તાની તાકાત હોય, પરંતુ ટીએમસી સાથે “મા, માટી, માનુષ” અને બંગાળની જનતા ઊભી છે. જો બાગીઓમાં હિંમત હોય તો સાંસદ પદેથી રાજીનામું આપીને ફરીથી જનતાની વચ્ચે જાય.

  • ભાજપ સાથેના સંબંધોને લઈને કેમ વધ્યો વિવાદ?

ટીએમસી નેતાઓએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે બળવાખોર સાંસદો ભાજપ સાથે હાથ મિલાવી ચૂક્યા છે. કલ્યાણ બેનર્જીએ જણાવ્યું કે, “જે દિવસે બાગી સાંસદો ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવના ઘરે ગયા, તે જ દિવસે સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓ મમતા બેનર્જીના સ્થાને પીએમ મોદીના શરણમાં ગયા છે.” તેમણે દાવો કર્યો કે ભાજપના નેતાઓ શુભેન્દુ અધિકારી અને ભૂપેન્દ્ર યાદવ સાથેની મુલાકાતોએ બાગી નેતાઓનો અસલી ચહેરો બેનકાબ કરી દીધો છે.

બીજી તરફ, ટીએમસી સાંસદ કીર્તિ આઝાદે પણ આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, જો આ નેતાઓને ભાજપમાં જવું હોય તો તેઓ ખુલ્લેઆમ સામે આવે. તેમણે સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારને આડે હાથ લેતા કહ્યું કે, મમતા બેનર્જીએ તેમને અનેક તકો આપી, છતાં તેઓ પાર્ટીની પીઠમાં છરો ભોંકી રહ્યા છે. આઝાદે આરોપ લગાવ્યો કે કાકોલી ક્યારેય સંસદમાં આવતા નહોતા અને માત્ર ફોન પર જ નિર્દેશો આપતા હતા. ગદ્દારો પાર્ટી છોડી શકે છે, પરંતુ તેમને ‘તૃણમૂલ’નું નામ લેવાનો કોઈ મોરલ અધિકાર નથી.

  • RG કર હોસ્પિટલ વિવાદ પર પણ ઘેરાયા

કલ્યાણ બેનર્જીએ બાગી સાંસદ શર્મિલા સરકાર અને કાકોલી ઘોષ દસ્તીદારને ‘આરજી કર મેડિકલ કોલેજ’ વિવાદ મુદ્દે પણ ઘેર્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે પાર્ટીના સામાન્ય કાર્યકરો રસ્તા પર વિરોધ અને દબાણનો સામનો કરી રહ્યા હતા, ત્યારે આ બંને નેતાઓ ક્યાં છુપાયા હતા? પોતે ડૉક્ટર હોવા છતાં શર્મિલા સરકારે તે સંવેદનશીલ મુદ્દે પક્ષના પક્ષમાં અવાજ કેમ ન ઉઠાવ્યો?

દરમિયાન કલ્યાણ બેનર્જી અને કીર્તિ આઝાદના આકરા પ્રહારો પર વળતો જવાબ આપતા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે જણાવ્યું હતું કે, પાર્ટીની અંદર લાંબા સમયથી ગંભીર અસંતોષ હતો, પરંતુ નેતૃત્વએ હંમેશા તેને નજરઅંદાજ કર્યો છે. તેમણે ઉમેર્યું કે, લોકશાહીમાં સાંસદોને પોતાની વાત રાખવાનો પૂરો અધિકાર છે અને તેને ‘ગદ્દારી’નું નામ આપવું તદ્દન ખોટું છે. બાગી સાંસદોએ જે પણ પગલું ભર્યું છે તે પશ્ચિમ બંગાળની જનતાના હિતમાં લેવાયેલો નિર્ણય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code