પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મીડિયા સંવાદ યોજાયો
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી સ્વ.વિજયભાઈ રૂપાણી તેમજ અન્ય સૌ દિવંગત નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ગાંધીનગર, 12 જૂન 2026 – પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે આજે મીડિયા સંવાદ યોજાયો હતો. આ મીડિયા સંવાદને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સંબોધન કર્યું હતું. તે પહેલાં પક્ષના તમામ અગ્રણીઓએ પક્ષના કાર્યાલયમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગાંધીનગરમાં ભાજપના મુખ્ય કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલા મીડિયા સંવાદ પૂર્વે ત્રણેય મહાનુભાવો એ પ્રદેશ ભાજપા કાર્યાલયના પરિસરમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષની ઉપલબ્ધિઓ દર્શાવતા પ્રદર્શન તેમજ કેન્દ્ર સરકારના મુખ્ય કાર્યોને રજૂ કરતી સુંદર રંગોળી નિહાળી હતી. આ પ્રસંગે ભાજપાના વરિષ્ઠ નેતા વડીલ મુરબ્બીશ્રી સુરેન્દ્રકાકા ઉપસ્થિત રહ્યા હતા.
વિકાસની રાજનીતિ’નો નવો ઈતિહાસ સર્જાયો છેઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મીડિયા સંવાદ અંતર્ગત પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, કોઈપણ દેશના ઈતિહાસમાં એવો સમય જરૂર આવે છે, જ્યારે આખો દેશ નવી તાકાત અને નવા સંકલ્પો સાથે પ્રગતિના રસ્તે આગળ વધે છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૨૦૧૪થી દેશમાં ‘વિકાસની રાજનીતિ’નો નવો ઈતિહાસ સર્જાયો છે.
ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક નેતા તરીકે સર્વસ્વીકૃત બન્યા છે. વિશ્વના આશરે ૩૨ જેટલા દેશોએ પોતાના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. સેચ્યુરેશન એપ્રોચ દ્વારા ગરીબ, મહિલા, આદિજાતિ, અનુસૂચિત જાતિ, યુવા અને મધ્યમ વર્ગના સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે.
વંચિત, ગરીબ અને છેવાડાના માનવી તેમજ આદિજાતિઓને વિકાસની મુખ્યધારામાં લાવવાનો સેવાયજ્ઞ આદર્યો છે અને ‘ ભૂતકાળમાં જેમને કોઈ પૂછતું નહિં, તેમને શ્રી મોદીજીએ પૂજ્યા છે.’ જનતાના અપાર સમર્થન અને ભરોસાથી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નો મંત્ર ચરિતાર્થ થયો છે.
તેમણે કહ્યું કે, છેલ્લા 12 વર્ષમાં દેશની GDP 2.02 ટ્રિલિયન ડૉલરથી વધીને 4.15 ટ્રિલિયન ડૉલર થઈ છે અને પર કેપિટા ઈન્કમ (માથાદીઠ આવક) રૂ. ૮૬,૬૭૮થી વધીને રૂ. ૨,૧૨,૯૮૧ થતાં મધ્યમ વર્ગનું સામાજિક-આર્થિક સશક્તિકરણ અને ઇઝ ઓફ લિવિંગ વધ્યું છે.
દેશને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને ભાજપની વિચારધારા પર વિશ્વાસઃ જગદીશભાઈ વિશ્વકર્મા
ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પત્રકારશ્રીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે અવિરત ૧૨ વર્ષ પૂર્ણ કરી ૧૩મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ગત ૧૦ જૂનના રોજ ગુજરાતના પનોતા પુત્ર મોદીજી સતત ૪૩૯૯ દિવસ પ્રધાનમંત્રી તરીકે કાર્યરત રહી દેશના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે; વર્ષ ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪ની સતત હેટ્રિક જીતે સાબિત કર્યું છે કે દેશને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ, ભાજપની વિચારધારા અને ‘પોલિટિક્સ ઓફ પર્ફોર્મન્સ’ પર જ ભરોસો છે.
શ્રી મોદીજીએ દેશના દરેક નાગરિકમાં “હું પણ કરી શકું છું” એવો આત્મવિશ્વાસ જગાડ્યો છે અને સદાય ‘રાષ્ટ્ર પ્રથમ’ ના વિચાર સાથે કાર્યરત રહી કરોડો નાગરિકોના હદયમાં સ્થાન બનાવ્યું છે.
તેમણે કહ્યું કે, કોરોના મહામારી તેમજ વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારત Fragile Five ઇકોનોમીમાંથી વિશ્વની ચોથી સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી મેજર ઇકોનોમી બન્યું છે. મોદીજીની ગરીબો પ્રત્યેની સંવેદનાને કારણે ૨૫ કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને લાખો પરિવારોને ઘર, ગેસ, કરોડો નાગરિકોને બેંક ખાતા તેમજ આયુષ્માન યોજના હેઠળ મફત આરોગ્ય કવચ જેવી પાયાની સુવિધાઓ મળી છે.
દેશમાં ૨૩ નવી AIIMS અને અનેક મેડિકલ કોલેજોના નિર્માણ સાથે સ્વાસ્થ્ય ક્ષેત્રે મોટો સુધારો થયો છે,જ્યારે ડિજિટલ અને 5G ક્રાંતિ તેમજ ૨.૨ લાખથી વધુ નોંધાયેલા સ્ટાર્ટઅપ્સના લીધે દેશનો યુવાન વિશ્વ સાથે સ્પર્ધા કરવા સજ્જ બન્યો છે. આ સાથે જ, સ્ટાર્ટઅપ્સમાં ૪૮% મહિલા ડિરેક્ટર્સની ભાગીદારી અને ૩ કરોડ ‘લખપતિ દીદી’ દ્વારા ગ્રામીણ મહિલાઓ સશક્ત બની છે, તેમજ PM કિસાન સન્માન નિધિ હેઠળ ૪ લાખ કરોડની સહાય મળતા દેશના ખેડૂતો આર્થિક રીતે મજબૂત થયા છે.
નરેન્દ્રભાઇ મોદીનું 12 વર્ષનું શાસન દેશવાસીઓના જીવનમાં આવેલા પરિવર્તનનું પ્રતીકઃ હર્ષભાઈ સંઘવી
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ૧૨ વર્ષનું શાસન માત્ર રેકોર્ડ અને આંકડાઓનો વિષય નથી, પરંતુ કરોડો દેશવાસીઓના જીવનમાં આવેલા પરિવર્તનનું પ્રતીક છે. તેમણે કહ્યું કે છેક કચ્છમાં નર્મદાનું પાણી મેળવતા ખેડૂત માટે, એકતા નગરમાં રોજીરોટી મેળવતા આદિવાસી માટે, વર્ષોથી રામ મંદિરની રાહ જોતા રામભક્તો માટે, ત્રિપલ તલાકની પીડા સહન કરતી મુસ્લિમ બહેનો માટે, કાશ્મીરમાં અલગાવવાદની આગમાંથી મુક્તિ મેળવનારા નાગરિકો માટે, સરહદો સુધી ટનલ અને ઓલ-વેધર રોડની સુવિધા મેળવનારા સૈનિકો માટે, સારવાર અને ઓપરેશન માટે આર્થિક સંકટનો સામનો કરતા ગરીબો માટે, પોતાનું પાકું ઘર મેળવતા પરિવારો માટે, પાણી માટે માઈલો સુધી ચાલતી માતાઓ માટે, ખાતર-બિયારણ માટે વ્યાજખોરો પર નિર્ભર નાના ખેડૂતો માટે, સરકારી સહાય મેળવવામાં ધક્કા ખાતા સામાન્ય નાગરિકો માટે તેમજ ગેરંટી વિના પોતાનો વ્યવસાય શરૂ કરવા ઇચ્છતા યુવાનો માટે આ ૧૨ વર્ષ સાચા અર્થમાં વરદાન સાબિત થયા છે.
તેમણે ઉમેર્યું હતું કે આજે દુનિયાના કોઈ પણ ખૂણે દરેક ભારતીય ગર્વથી કહી શકે છે કે, “હું ભારતીય છું”. તેમણે જણાવ્યું કે છેલ્લા અઢી દાયકાથી ગુજરાત અને દેશના જાહેર જીવનમાં કાર્યરત નરેન્દ્રભાઈ મોદીનું નામ ઇતિહાસના પુસ્તકોમાં માત્ર એક નામ નહીં, પરંતુ એક સફળ અધ્યાય બની રહેશે અને ૨૧મી સદીના અઢી દાયકાથી સમગ્ર દેશ “મોદી યુગ”નો સાક્ષી બની રહ્યો છે. તેમણે કહ્યું કે પંડિત નેહરુ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમની સામે કોઈ મજબૂત રાજકીય વિકલ્પ કે સ્પર્ધા નહોતી, જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ અનેક રાષ્ટ્રીય પક્ષો, મજબૂત પ્રાદેશિક પક્ષો, રાજકીય સ્પર્ધા અને સતત ચાલતા ભ્રામક અપપ્રચાર વચ્ચે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સતત ત્રણ વખત સરકાર બનાવી છે. એક સામાન્ય અને ગરીબ પરિવારમાંથી સંઘર્ષ કરીને, સફળતાના એક-એક ડગલા સર કરીને તેમણે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે; સત્તા તેમને વારસામાં મળી નથી.


