સાંજના 6 વાગતાની સાથે જ પેટમાં જે નાની-નાની ભૂખ લાગે છે, તેનો કોઈ મુકાબલો નથી. પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ સમયે આવે છે જ્યારે એ સમજાતું નથી કે ચા સાથે શું ખાવાં? રોજ-રોજ એ જ કંટાળાજનક બિસ્કિટ અથવા લારી પર મળતો અનહેલ્ધી ખોરાક ખાઈને આપણે કંટાળી જઈએ છીએ અને સ્વાસ્થ્યની ચિંતા પણ સતાવે છે. જો તમારા ઘરમાં પણ દર સાંજે ‘શું બનશે?’ એવો પ્રશ્ન થતો હોય, તો હવે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. તમારી કિચનમાં રાખેલી સોજી (રવો) આ પ્રોબ્લેમનો બેસ્ટ અને પર્ફેક્ટ ઈલાજ છે. સોજીની સૌથી સારી વાત એ છે કે તેમાંથી બનતી વાનગીઓ અતિશય ક્રિસ્પી બને છે અને તેને બનાવવામાં કલાકો સુધી માથાકૂટ પણ કરવી પડતી નથી.
સોજી અને બટાકાના ક્રિસ્પી કટલેસ
આ એક એવો નાસ્તો છે જે માત્ર બાળકોને જ નહીં, પરંતુ ઘરના વડીલોને પણ ખૂબ જ પસંદ આવશે. સૌથી પહેલા એક કડાઈમાં 1 કપ પાણી ગરમ કરો. તેમાં થોડું મીઠું, છીણેલું આદુ, લીલા મરચાં અને 1 ચમચી તેલ ઉમેરો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં અડધો કપ સોજી ઉમેરીને સતત હલાવતા રહો જેથી ગાંઠો ન પડે. મિશ્રણ ઘટ્ટ થઈને કડાઈ છોડવા લાગે એટલે ગેસ બંધ કરી દો. હવે આ મિશ્રણને એક વાસણમાં કાઢી તેમાં 2 બાફેલા અને મેશ કરેલા બટાકા મિક્સ કરો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર, શેકેલું જીરું પાવડર અને ચાટ મસાલો ઉમેરી લોટની જેમ ગુંથી લો. આ મિશ્રણને મનપસંદ શેપ આપી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય અથવા શેલો ફ્રાય કરો. તેને ગરમાગરમ લીલી ચટણી સાથે સર્વ કરો.
ફ્રેન્ચ ફ્રાઈસના શોખીનો માટે ‘ચટપટી સોજી ફિંગર્સ’
જો તમને ફ્રેન્ચ ફ્રાઈસ ભાવતી હોય, તો આ સોજી ફિંગર્સ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોવાને કારણે તમારી ફેવરિટ બની જશે. સોજીને સહેજ નવશેકા પાણીમાં દહીં સાથે મિક્સ કરીને 10 મિનિટ માટે રાખી મૂકો. સોજી ફૂલી જાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, ચીલી ફ્લેક્સ, મરી પાવડર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરો. હવે એક થાળીમાં થોડું તેલ લગાવી આ ઘટ્ટ ખીરાને ફેલાવી દો અને 5 થી 7 મિનિટ માટે વરાળમાં પકાવી લો. મિશ્રણ ઠંડુ થાય એટલે ચાકુથી તેને લાંબા ટુકડામાં (ફિંગર્સ શેપમાં) કાપી લો. હવે આ ટુકડાને કોર્નફ્લોરના પાતળા દ્રાવણમાં ડુબાડી, બ્રેડ ક્રમ્બ્સ (બ્રેડનો ભૂકો) લપેટીને ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
ઓછા તેલમાં બનાવો સોજી-દહીંના હેલ્ધી અપ્પે
જો તમે ડાયટ પર હોવ અને ઓછા તેલમાં કંઈક ટેસ્ટી અને હેલ્ધી ખાવા માંગતા હોવ, તો સોજીના અપ્પે બેસ્ટ ઓપ્શન છે. 1 કપ સોજીમાં અડધો કપ દહીં અને અડધો કપ પાણી મિક્સ કરી મધ્યમ ઘટ્ટ બેટર (ખીરું) તૈયાર કરો અને 15 મિનિટ ઢાંકીને રાખો. ત્યારબાદ તેમાં છીણેલું ગાજર, ઝીણી સમારેલી બીન્સ, ટામેટા, લીલા મરચાં અને કોથમીર ઉમેરો. હવે વઘાર માટે એક નાની પેનમાં 1 ચમચી તેલ ગરમ કરી રાઈ અને કઢી પત્તાનો વઘાર આ બેતરમાં ઉમેરો. છેલ્લે ચપટી ઈનો અથવા બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરો. અપ્પે પેનને સામાન્ય તેલથી ગ્રીસ કરી તેમાં આ બેટર ભરો અને બંને બાજુથી પલટાવીને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો. તેને નાળિયેરની (ટોપરાની) ચટણી સાથે ખાવાની મજા પડી જશે.

