ભારત સહિત દુનિયાના અનેક દેશો ભૂતકાળમાં ભૂકંપે મચાવી છે તબાહી, 2001માં આવેલો ભૂકંપ હજુ નથી ભુલ્યાં ગુજરાતીઓ
નવી દિલ્હી, 25 જૂન 2026: દક્ષિણ અમેરિકાનો દેશ વેનેઝુએલા બુધવારે સાંજે આવેલા બે શક્તિશાળી ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠ્યો છે. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) ના જણાવ્યા અનુસાર, ભૂકંપના પ્રથમ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 નોંધાઈ હતી, જેના માત્ર 39 સેકન્ડ બાદ જ બીજો પ્રચંડ આંચકો આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 માપવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ દેશના કેરેબિયન દરિયાકાંઠે આવેલા મોરોન શહેરની પશ્ચિમે અને રાજધાની કારાકાસથી આશરે 168 કિલોમીટર દૂર 13 કિલોમીટરની ઊંડાઈએ હતું. જો કે, આ કુદરતી આપત્તિમાં થયેલા જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ પ્રાથમિક અહેવાલો અને તબાહીના દ્રશ્યો જોતા હજારો લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સમાં મૃતકોનો આંકડો 10,000 સુધી પહોંચી જવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીનું એલર્ટ પણ જારી કરી દેવાયું છે. વેનેઝુએલાની આ આપત્તિએ ફરી એકવાર માનવજાતને કુદરતના પ્રકોપ સામે લાચાર સાબિત કરી દીધી છે. જો કે, વિશ્વના ઇતિહાસ પર નજર કરીએ તો પ્રકૃતિએ ભૂતકાળમાં પણ ભૂકંપના સ્વરૂપે અનેક દેશોમાં આનાથી પણ વધુ ભયાનક તબાહી મચાવી છે.
-
ઇતિહાસનો સૌથી ઘાતક ભૂકંપ: ચીનમાં 8 લાખથી વધુના મોત
માનવ ઇતિહાસમાં નોંધાયેલા આંકડા મુજબ, દુનિયાનો સૌથી વિનાશક ભૂકંપ આશરે 470 વર્ષ પહેલા એટલે કે વર્ષ 1556માં ચીનના શાનક્સી પ્રાંતમાં આવ્યો હતો. આ આપત્તિમાં અંદાજે 8 લાખથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાનું મનાય છે, જો કે તે સમયે ભૂકંપની ચોક્કસ તીવ્રતા માપવાનું કોઈ સચોટ સાધન ઉપલબ્ધ નહોતું. આધુનિક સમયની વાત કરીએ તો, 26 ડિસેમ્બર 2004ના રોજ હિંદ મહાસાગરમાં આવેલા 9.1ની તીવ્રતાના ભૂકંપે ઇતિહાસની સૌથી ભયાનક સુનામી સર્જી હતી. સુમાત્રાના તટથી 150 માઇલ દૂર દરિયાના પેટાળમાં થયેલા આ પ્રચંડ વિસ્ફોટથી આશરે 23,000 હિરોશિમા પરમાણુ બોમ્બ જેટલી ઉર્જા પેદા થઈ હતી. આ સુનામીના કારણે ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા અને થાઇલેન્ડ સહિતના દેશોમાં આશરે 2.50 લાખ લોકો કાળના ગાલમાં હોમાઈ ગયા હતા.
તાજેતરના વર્ષોમાં વર્ષ 2023માં તુર્કિયે અને સીરિયાની સરહદે આવેલો 7.8 અને 7.5ની તીવ્રતાનો જોડિયો ભૂકંપ આધુનિક ઇતિહાસની સૌથી મોટી આપત્તિ સાબિત થયો હતો. કડાકાની ઠંડી વચ્ચે આવેલા આ ભૂકંપના કારણે બંને દેશોમાં કુલ 59,000થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. આ જ રીતે, 12 જાન્યુઆરી 2010ના રોજ હૈતીની રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સમાં આવેલા 7.0ની તીવ્રતાના ભૂકંપે આખું શહેર તબાહ કરી દીધું હતું, જેમાં સત્તાવાર અને બિનસત્તાવાર અહેવાલો મુજબ 1,00,000થી લઈને 1,60,000 લોકોના મોત થયા હતા. ભારત અને પાકિસ્તાનની સરહદોની વાત કરીએ તો, 8 ઓક્ટોબર 2005ના રોજ કાશ્મીરમાં આવેલા 7.6ની તીવ્રતાના ભૂકંપે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને જમ્મુ-કાશ્મીરમાં વ્યાપક ભૂસ્ખલન સર્જીને 86,000 લોકોનો ભોગ લીધો હતો અને લાખો લોકોને બેઘર કરી દીધા હતા, જેની અસર ચીન અને અફઘાનિસ્તાન સુધી વર્તાઈ હતી. બીજી તરફ તાઇવાનમાં પણ વર્ષ 1935 અને 1999ના ભૂકંપોમાં 5600થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે વર્ષ 2024માં આવેલા આંચકાઓએ તેના 7 દાયકા જૂના જખમો તાજા કર્યા હતા.
-
ગુજરાત, નેપાળ, જાપાન અને ક્વેટામાં પણ પ્રકૃતિનો પ્રકોપ
ભારતના ઇતિહાસમાં 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતના કચ્છ-ભુજમાં આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપને કોઈ ભૂલી શકે તેમ નથી. પ્રજાસત્તાક દિના જ આ મહાભૂકંપમાં 30,000થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 1.50 લાખથી વધુ લોકો ઘાયલ થયા હતા અને સમગ્ર રાજ્યમાં 4 લાખથી વધુ મકાનો જમીનદોસ્ત થઈ ગયા હતા. પાડોશી દેશ નેપાળમાં પણ 25 એપ્રિલ 2015ના રોજ આવેલા 8.1ની તીવ્રતાના ભૂકંપમાં 10,000થી વધુ લોકો માર્યા ગયા હતા અને ભારત સહિતના દેશો ધ્રૂજી ઉઠ્યા હતા. આ સિવાય, 11 માર્ચ 2011ના રોજ જાપાનમાં આવેલા 9.0ની તીવ્રતાના ભૂકંપ અને ત્યારબાદ ફુકુશિમામાં આવેલી વિનાશક સુનામીએ દરિયાકાંઠાની 3 લાખથી વધુ ઇમારતો વહાવી દીધી હતી, જેમાં સરકારી આંકડા મુજબ 18,000 અને અન્ય અહેવાલો અનુસાર 1 લાખથી વધુ લોકોના મોત થયા હતા. અવિભાજિત ભારતમાં 31 મે 1935ના રોજ બલૂચિસ્તાનના ક્વેટા શહેરમાં આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપમાં 60,000થી વધુ લોકો કાળચક્રમાં હોમાઈ ગયા હતા.
-
વિશ્વના અન્ય શક્તિશાળી પરંતુ ઓછી જાનહાનિ વાળા ભૂકંપો
વિશ્વના ભૌગોલિક ઇતિહાસમાં સૌથી શક્તિશાળી ભૂકંપ વર્ષ 1960માં ચિલીમાં આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 9.5 માપવામાં આવી હતી, જ્યારે વર્ષ 2010માં પણ ત્યાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, પરંતુ ઓછી જાનહાનિ થઈ હતી. આ જ રીતે, 27 માર્ચ 1964ના રોજ અમેરિકાના અલાસ્કામાં ઇતિહાસનો સૌથી મોટો 9.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે સતત સાડા ચાર મિનિટ સુધી ચાલ્યો હતો, પરંતુ ઓછી વસ્તીના કારણે માત્ર 130 લોકોના મોત થયા હતા. આ સિવાય 4 નવેમ્બર 1952માં રશિયાના કામચટકાના પૂર્વ તટે આવેલા 9.0ની તીવ્રતાના ભૂકંપ અને સુનામીમાં 10,000 લોકો માર્યા ગયા હતા. વર્ષ 2005માં ઇન્ડોનેશિયામાં 8.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવા છતાં સદનસીબે માત્ર 1300 લોકોના મોત થયા હતા, જ્યારે વર્ષ 2001માં પેરુમાં આવેલા 8.4ની તીવ્રતાના ભૂકંપમાં આશરે 100 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વેનેઝુએલાની વર્તમાન સ્થિતિ જોતા વૈજ્ઞાનિકો ચિંતિત છે કે પૃથ્વીના પેટાળમાં થઈ રહેલા આ મોટા ફેરફારો આગામી સમયમાં વૈશ્વિક સ્તરે મોટી ચિંતાનો વિષય બની શકે છે.
(PHOTO-FILE)


