અમદાવાદ, 25 જુન, 2026 : Delay in the arrival of rain in Gujarat. રાજ્યના હવામાન વિભાગે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. પણ વરસાદના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે. આજે સવારથી બપોર સુધીમાં જુનાગઢના માળિયા હાટીનામાં માત્ર અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 16 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં નર્મદા જિલ્લાના સાગબારામાં સાડા ત્રણ ઈંચ, સુબીરમાં 2 ઈંચ, ડાંગ આહવામાં પોણા બે ઈંચ, અને બાકીના 13 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આકાશમાં વાદળો ગોરંભાયા છે. છતાં મેધરાજા વરસતા નથી. આજે ભીમ અગિયારસના દિને મોટાભાગના ખેડૂતો વાવણીનું મહૂર્ત કરી દેતા હોય છે, પણ હજુ વાવણી લાયક વરસાદ પડ્યો નથી.
ગુજરાતભરના ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જોકે ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે. હવામાન વિભાગના કહેવા મુજબ, આગામી 2-3 દિવસમાં મેઘરાજા સમગ્ર રાજ્યભરમાં પોતાની જમાવટ કરશે. આ વર્ષે ચોમાસું તેના નિયત સમય કરતાં થોડું મોડું પડ્યું છે, પરંતુ બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે હવે આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદની સંભાવના સેવાઈ રહી છે. હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન એમ બે શક્તિશાળી સિસ્ટમ સક્રિય હોવાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની વકી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 14 જેટલા જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવનાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ આગળ વધીને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પ્રવેશી ચૂક્યું છે. ચોમાસાની ઉત્તરીય સીમા (NLM) હાલમાં સુરત અને ઇન્દોર પરથી પસાર થઈ રહી છે. આગામી 2થી 3 દિવસમાં ચોમાસું ગુજરાતના વધુ ભાગોમાં આગળ વધે તે માટે પરિસ્થિતિ ખૂબ જ સાનુકૂળ બની રહી છે.


