Homeગુજરાતીસાલાલ અને બગલીહાર ડેમના ગેટ ખોલાશે, કાંપ કાઢવાની પ્રક્રિયાથી પાકિસ્તાનમાં પણ એલર્ટ

સાલાલ અને બગલીહાર ડેમના ગેટ ખોલાશે, કાંપ કાઢવાની પ્રક્રિયાથી પાકિસ્તાનમાં પણ એલર્ટ

શ્રીનગર, 16 જુલાઈ 2026: જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લા પ્રશાસન દ્વારા ચિનાબ નદીના કિનારે રહેતા લોકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ એડવાઇઝરી જારી કરવામાં આવી છે. રામબનમાં આવેલા બગલીહાર ડેમ અને જ્યોતિપુરમના સાલાલ પાવર સ્ટેશનના જળાશયમાંથી કાંપ (સિલ્ટ) બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થવાને કારણે ચિનાબ નદીના જળસ્તરમાં અચાનક ભારે વધારો થવાની સંભાવના છે.

  • 16 થી 26 જુલાઈ સુધી હાઈ એલર્ટ જાહેર કરાયું

તંત્રના જણાવ્યા અનુસાર, બગલીહાર ડેમમાં ફ્લશિંગની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જ્યારે સાલાલ ડેમના સ્પિલવે ગેટ 17 જુલાઈ સવારે 9 વાગ્યાથી 26 જુલાઈ સુધી ખુલ્લા રાખવામાં આવશે. સામાન્ય રીતે સિંધુ જળ સંધિના નિયમોને કારણે સાલાલ ડેમમાંથી નિયમિત કાંપ કાઢી શકાતો નહોતો, જેના લીધે ડેમની સંગ્રહ ક્ષમતા ઘટી ગઈ હતી. પરંતુ ભારતે આ સંધિને સ્થગિત કર્યા બાદ હવે સાલાલ ડેમની સફાઈનું કામ સતત કરવામાં આવી રહ્યું છે.

  • આ વિસ્તારો પર સીધી અસર થશે અને પાકિસ્તાનમાં પૂરનો ભય

પ્રશાસને ધરન, થનપાલ, ગુજ્જર કોઠી, તલવારા, વિજયપુર, બારા દરી સહિતના ડઝનબંધ ગામોના લોકોને નદી કિનારે ન જવા, ઢોરઢાંખરને દૂર રાખવા અને રાફ્ટિંગ જેવી પ્રવૃત્તિઓ બંધ રાખવા કડક સૂચના આપી છે. પોલીસ અને એસડીઆરની ટીમોને તૈનાત કરી દેવાઈ છે. નોંધનીય છે કે ચિનાબ નદી આગળ જઈને પાકિસ્તાનમાં પ્રવેશે છે, જેથી આ પ્રક્રિયાને કારણે પાકિસ્તાનના નીચાણવાળા વિસ્તારોમાં પણ સ્થાનિક સ્તરે પૂર જેવી સ્થિતિ સર્જાવાની આશંકા સેવાઈ રહી છે.

સંબંધિત લેખો

Most Popular