દહીં વડા (દહીં ભલ્લા)નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. દિલ્હીની ગલીઓમાં મળતા નરમ અને સ્વાદિષ્ટ દહીં વડા દરેકને ખૂબ જ પસંદ હોય છે. અડદની દાળમાંથી બનેલા પોચા વડા ઉપર ઠંડું દહીં, મીઠી ચટણી અને ખાટી-મીઠી ચટપટી ચીજો ઉમેરવામાં આવે છે, જે તેના સ્વાદને ડબલ કરી દે છે. પરંતુ ઘરે દહીં વડા બનાવતી વખતે સૌથી મોટી સમસ્યા એ રહે છે કે તે બજાર જેવા નરમ અને ફૂલેલા નથી બનતા.
ઘણીવાર વડા તળ્યા પછી કઠણ થઈ જાય છે, તો ક્યારેક બેટર બરાબર ન હોવાને કારણે તે સારી રીતે ફૂલતા નથી. જો તમારી સાથે પણ આવું થતું હોય, તો કેટલીક સરળ બાબતોનું ધ્યાન રાખીને તમે પણ ઘરે એકદમ સોફ્ટ અને જાળીદાર દહીં વડા બનાવી શકો છો. દાળની પસંદગીથી લઈને બેટર તૈયાર કરવા સુધીના સ્ટેપ્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
-
યોગ્ય દાળની પસંદગી છે સૌથી જરૂરી
સારા દહીં વડા બનાવવાની શરૂઆત યોગ્ય દાળથી થાય છે. આ માટે સામાન્ય રીતે અડદની દાળનો ઉપયોગ થાય છે. અડદની દાળ વડાને નરમ અને હલકા બનાવવામાં મદદ કરે છે. તેમાં થોડી (મગની દાળ ભેળવવાથી તેનો સ્વાદ અને ટેક્સચર બંને વધુ સારા બને છે. જો તમે ઘરે દિલ્હી જેવા દહીં વડા બનાવવા માંગતા હો, તો દાળનું પ્રમાણ ચોક્કસ રાખો. અડદની દાળ મુખ્ય રાખો અને તેમાં થોડી મગની દાળ ઉમેરો. દાળને સારી રીતે ધોઈને કેટલાક કલાક માટે પાણીમાં પલાળી રાખો. તેનાથી દાળ સરળાથી પીસાશે અને બેટર પણ સરસ તૈયાર થશે.
- પાણી એકસાથે વધારે ન નાખવું
દાળ પીસતી વખતે પાણી નાખવામાં ઉતાવળ કરવી નહીં. એકસાથે વધારે પાણી નાખવાથી બેટર પાતળું થઈ શકે છે અને પછી વડા બરાબર નહીં બને. દાળ પીસતી વખતે થોડું-થોડું પાણી ઉમેરો અને જરૂરિયાત મુજબ જ તેનો ઉપયોગ કરો. બેટર એટલું ઘટ્ટ હોવું જોઈએ કે તે સરળતાથી આકાર લઈ શકે. બેટર ખૂબ પાતળું થઈ જાય તો વડા તેલમાં ફેલાઈ શકે છે. તેથી પાણી હંમેશાં ઓછી માત્રામાં જ નાખવું વધુ સારું છે.
- બેટરમાં થોડું મીઠું જરૂર ઉમેરો
દાળ પીસતી વખતે એક નાની વાતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. બેટરમાં થોડું મીઠું ચોક્કસ ઉમેરો. આ એક સામાન્ય વાત લાગે છે, પરંતુ ઘણા લોકો તેને નજરઅંદાજ કરી દે છે. મીઠું બેટરના સ્વાદને વધારે છે અને વડા બનાવવાની પ્રક્રિયામાં તેનું પોતાનું મહત્વ છે. તેથી દાળ પીસતી વખતે તેમાં સ્વાદ અનુસાર થોડું મીઠું અવશ્ય મિક્સ કરો.
-
દાળને સારી રીતે પીસો અને ફેંટો
નરમ અને ફૂલેલા વડા માટે બેટર સારી રીતે તૈયાર થવું જોઈએ. દાળને એટલી પીસો કે બેટર સ્મૂથ અને એકસરખું થઈ જાય. સારી રીતે પીસેલું બેટર વડાને હલકા અને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે. બેટરને હાથથી પણ સારી રીતે ફેંટી શકાય છે અથવા તેના માટે મિક્સરની મદદ લઈ શકાય છે. બેટરને સારી રીતે ફેંટવાથી તેમાં હવા ભરાય છે, જેના કારણે તળ્યા પછી વડા વધુ હલકા અને ફૂલેલા બને છે.


