ગાંધીનગર, 16 ઓક્ટોબર, 2026 : 101 Shramik Annapurna Yojana centers to be inaugurated ગુજરાતના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપતા બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનોને ન્યૂનતમ દરે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’નો વ્યાપ સતત વિસ્તૃત કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે શુક્રવારે રાજ્યના ૨૮ જિલ્લાઓમાં કુલ ૧૦૧ નવાં શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનું લોકાર્પણ કરાશે. આ સાથે રાજ્યમાં આ યોજનાના કુલ ૩૭૨ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ચાણક્યપુરી ખાતેના શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રનો શુભારંભ કરાવશે. મુખ્યમંત્રી આ પ્રસંગે શ્રમદાનની સાથે શ્રમિકોને ભોજન પીરસીને તેમની સાથે સંવાદ પણ કરશે. આ ઉપરાંત મંત્રીઓ, સાંસદસભ્યો, તથા ધારાસભ્યો પણ રાજ્યના વિવિધ સ્થળોએ ભોજન વિતરણ કેન્દ્રો પર ઉપસ્થિત રહી શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રોનું લોકાર્પણ કરશે.
‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત બાંધકામ શ્રમિકો તથા તેમના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ માત્ર રૂ. ૫/ના ન્યૂનતમ દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવે છે. આ ભોજનમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. અઠવાડિયામાં એક વાર સુખડી અને શીરા જેવાં મિષ્ટાન્ન પણ આપવામાં આવે છે. આ યોજનાથી શ્રમિકોને પોષણયુક્ત ભોજન સરળતાથી ઉપલબ્ધ થવાની સાથે તેમના દૈનિક ભોજન ખર્ચમાં પણ રાહત મળે છે.
શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો દ્વારા શ્રમિકોને દરરોજ સરેરાશ ૩૫ હજારથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવે છે. યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૦૫ કરોડથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે. ૧૦૧ નવાં કેન્દ્રો શરૂ થવાથી દૈનિક ભોજન વિતરણની સંખ્યામાં ૧૦ હજારનો વધારો થઈ અંદાજે દૈનિક ૪૫ હજાર જેટલા લોકોને ભોજન વિતરણ થશે.


