અમદાવાદ, 16 ઓક્ટોબર, 2026 : Congress alleges that Gujarat Police is acting outside the law ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે આજે ગુજરાત અને સમગ્ર દેશમાં અંગ્રેજોનું શાસન ચાલતું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. હાથમાં તિરંગો લઈને પોતાના અધિકારો માટે કે સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવનાર નાગરિકને દેશદ્રોહી ચીતરવામાં આવે છે, તેની સામે ખોટા કેસો દાખલ કરવામાં આવે છે અને તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે. લોકશાહીમાં સરકારને સવાલ પૂછવાનો, અન્યાય સામે વિરોધ કરવાનો અને પોતાના હક માટે લડવાનો અધિકાર દરેક નાગરિકને છે, પરંતુ ભાજપ સરકાર આ અધિકારોને જ કચડી નાખવા માગે છે. ગુજરાતમાં કેટલાક પોલીસ અધિકારીઓ ભાજપના કાર્યકર હોય તેમ કામ કરી રહ્યા છે. પોલીસ અને પ્રશાસનનો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા જાળવવાને બદલે વિપક્ષને દબાવવા, કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરવા અને ભાજપને ચૂંટણીમાં ફાયદો પહોંચાડવા માટે થઈ રહ્યો છે, જે લોકશાહી અને બંધારણ માટે અત્યંત ગંભીર બાબત છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતની જનતાએ પોલીસ અને પ્રશાસનના કથિત રાજકીય દુરુપયોગનાં અનેક ઉદાહરણો જોયાં છે. કોંગ્રેસના ઉમેદવારોને ઉમેદવારીપત્ર ભરતાં રોકવા, ઉમેદવારીપત્રો પાછાં ખેંચાવવા દબાણ કરવું, ચૂંટણી પ્રચારમાં અવરોધ ઊભા કરવા, મતદારોને ડરાવવા અને ઉમેદવારો તથા તેમના ટેકેદારોને ખોટા કેસોમાં ફસાવવાના પ્રયાસો થયા હોવાના ગંભીર આક્ષેપો છે. લોકશાહીમાં ચૂંટણી જનતાના મતથી જીતવાની હોય છે, પોલીસના દમથી નહીં. પરંતુ ભાજપ સરકાર પોતાની સત્તા ટકાવી રાખવા માટે પોલીસ તંત્રનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે કરી રહી હોય તેવી સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર ૪, ૧૧, ૭ અને ૨ સહિત અનેક વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારો અને તેમના ટેકેદારોને પોલીસ દ્વારા ઉઠાવી લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોને છોડાવવા માટે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના આગેવાનો પોલીસ સમક્ષ રજૂઆત કરવા ગયા તો તેમની સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસની કામગીરી અંગે જવાબદાર એસ.પી. અને અધિકારીઓનો સંપર્ક કરવામાં આવે ત્યારે ફોન પણ ઉપાડવામાં આવતા નથી. શું ગુજરાતમાં પોલીસ અધિકારીઓ જનતાને જવાબ આપવા માટે નહીં, પરંતુ માત્ર ગૃહમંત્રી અને સત્તાધારી પક્ષને ખુશ કરવા માટે બેઠા છે? ગૃહમંત્રીને વહાલા થવાની હોડમાં કેટલાક અધિકારીઓ કાયદો, બંધારણ અને પોતાની ફરજ જ ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે.


