નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર 2026: ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એટલે કે કૃષ્ણ જન્મોત્સવને લઈને કાનાની નગરી મથુરા અને યાત્રાધામ દ્વારકા બંને પવિત્ર સ્થળોએ ભવ્ય તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓના આગમનથી સમગ્ર બ્રજમંડળ અને દ્વારકા નગરીમાં અત્યારથી જ ઉત્સવનો માહોલ છવાઈ ગયો છે.
શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરથી લઈને દ્વારકાધીશ મંદિર, બાંકેબિહારી મંદિર અને ઇસ્કોન મંદિર સુધી દરેક જગ્યાએ વિશેષ સજાવટ કરવામાં આવી છે. સમગ્ર પરિસરમાં ફૂલો, રંગબેરંગી લાઈટ્સ અને આકર્ષક ઝાંખીઓ ગોઠવવામાં આવી છે. મથુરા-વૃંદાવનની ગલીઓ કૃષ્ણ ભજનોથી ગુંજી ઉઠ્યાં છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન માટે ચુસ્ત બંદોબસ્ત તથા સ્પેશિયલ ટ્રાફિક પ્લાન લાગુ કરવામાં આવ્યો છે.
બીજી તરફ, ભગવાન શ્રી દ્વારકાધીશની નગરી દ્વારકા ખાતે પણ જન્મોત્સવની તમામ તૈયારીઓ આખરી ઓપ અપાયો છે. દ્વારકાના રાજા તરીકે બિરાજમાન ભગવાન દ્વારકાધિશના જન્મોત્સવને લઈને જગત મંદિરને રોશનીથી જગમગ કરવામાં આવ્યું છે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર, જગત મંદિર પર કરવામાં આવેલી રોશનીની વિશેષ વ્યવસ્થા એવી છે કે તે દ્વારકાથી 10 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાય છે. તીર્થધામ દ્વારકાના મંદિરના શિખર અને આસપાસના વિસ્તારોમાં આકર્ષક લાઇટિંગ ડેકોરેશન કરાયું છે, જેના કારણે રાત્રિના સમયે જગત મંદિરની ભવ્ય છટા અદ્ભુત દ્રશ્ય સર્જે છે. જન્મોત્સવમાં પધારનારા હજારો ભક્તો માટે ઉત્સવની તમામ તૈયારીઓ ઉત્સાહભેર પૂર્ણ કરી લેવાઈ છે.


