Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં ટ્રક-એક્ટિવા અને કાર અકસ્માતના બે બનાવોમાં બેના મોત

અમદાવાદમાં ટ્રક-એક્ટિવા અને કાર અકસ્માતના બે બનાવોમાં બેના મોત

અમદાવાદ, 19 ઓક્ટોબર, 2026 : Two killed in truck-Activa and car accident in Ahmedabad શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે અકસ્માતના વધુ બે બનાવોમાં બેના મોત નિપજ્યા હતા. શહેરના કર્ણાવતી કલબ પાસે ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ગરબા રમવા જતી યુવતીનું મોત  નિપજ્યુ હતુ. જ્યારે એક્ટિવા સવાર અન્ય યુવતીને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માતના બીજા બનાવમાં શહેરના વિરાટનગર બ્રિજ પાસે ગામડે જવા માટે બસની રાહ જોઇને ઉભા રહેલા માતા-પુત્રને કાર ચાલકે અડફેટે લેતા પુત્રનું મોત નિપજ્યુ હતું.  અને વૃદ્ધ માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંને બનાવમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં સાયોના ચાર રસ્તા પાસે આવેલા મૃદુલપાર્કમાં 27 વર્ષીય પાયલબેન કુરડીયા પરિવાર સાથે રહે છે અને પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. ગત 16 ઓક્ટોમ્બરે રાત્રે પોતાના મિત્રો અને કાકા-બાપાની બહેનો સાથે કર્ણાવતી ક્લબમાં ગરબે રમવા જવાનો પ્લાન બનાવ્યો હતો. ​રાત્રે તમામ લોકો પોતપોતાના ટુ-વ્હીલર પર ઘરેથી નીકળ્યા હતા. જેમાં પાયલબેનની 25 વર્ષીય નાની બહેન આરતી પોતાના એક્ટિવા પર તેમની પિતરાઈ બહેન 23 વર્ષીય કોમલને પાછળ બેસાડીને કર્ણાવતી ક્લબ જવા નીકળી હતી. પાયલબેન અને તેમના મિત્રો કર્ણાવતી ક્લબના મુખ્ય ગેટ પાસે પહોંચી ગયા હતા અને આરતી તથા કોમલની રાહ જોઈને ઊભા હતા. દરમિયાન કર્ણાવતી ચાર રસ્તા ઈસ્કોન ગાંઠિયા પાસે લોકોનું ટોળું ભેગું થતાં તેઓ દોડીને સ્થળ પર પહોંચ્યા હતા. ​ત્યાં તેમની બહેનો આરતી અને કોમલ રસ્તા પર લોહીલુહાણ અને બેભાન હાલતમાં પડેલી જોવા મળી હતી. જેથી પુરઝડપે ટ્રક ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારતા એક્ટિવા સવાર કોમલનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે આરતીને બંને હાથ, કપાળ અને પગના ભાગે ઈજાઓ થવાથી તેને સારવાર માટે હોસ્પિટલ મોકલી હતી. આ અંગે એસજી હાઇવે ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

બીજા અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા 72 વર્ષીય હીરાબેન ડાહ્યાભાઈ પરમાર નિવૃત્ત જીવન ગુજારે છે. આસો નવરાત્રીની આઠમ હોવાથી પોતાના વતન સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામે જવા માટે રવિવારે પરોઢિયે તેમનો 50 વર્ષીય પુત્ર રમેશભાઈ પરમાર એક્ટિવા પર માતાને બેસાડી વિરાટનગર બસ સ્ટેન્ડ સુધી મુકવા ગયો હતો. જ્યાં મા-દીકરો બસની રાહ જોઈને ઉભા હતા. ત્યારે વિરાટનગર તરફથી પૂરઝડપે આવી રહેલી કારચાલકે માતા પુત્રને અડફેટે લીધા હતા. ​ આ અકસ્માતમાં કારની ટક્કરથી રમેશભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે હીરાબેનને કપાળ, ખભા તથા જમણા પગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અંગે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular