HomeAgency NewsCJP વિરુદ્ધ અમદાવાદના યુવકે બનાવ્યો CJP ડેમોક્રેટિક પક્ષ, જાણો દીપકે વિશે શું...

CJP વિરુદ્ધ અમદાવાદના યુવકે બનાવ્યો CJP ડેમોક્રેટિક પક્ષ, જાણો દીપકે વિશે શું કહ્યું

અમદાવાદ, 3 સપ્ટેમ્બર, 2026 – અમદાવાદના રહેવાસી મનીષ બ્રહ્મભટ્ટે અભિજીત દીપકેની CJP સામે CJP-D (સીજેપી-ડેમોક્રેટિક)ની જાહેરાત કરી છે. આ જાહેરાત કરવા સાથે તેમણે સીજેપીના દીપકે વિરૂદ્ધ કેટલાક આક્ષેપ કર્યા અને કહ્યું કે દીપકે અને સીજેપી આમ આદમી પાર્ટીનો એજન્ડા જ ચલાવે છે.

મીડિયા અહેવાલ અનુસાર, કોકરોચ જનતા પાર્ટી (CJP)ની જેમ કોકરોચ જનતા પાર્ટી ડેમોક્રેટિકની જાહેરાત કરવામાં આવી છે. મનીષ બ્રહ્મભટ્ટ નામના યુવકે કહ્યું કે CJP સંપૂર્ણપણે કેજરીવાલની પાર્ટી બની ગઈ છે. મનીષ બ્રહ્મભટ્ટે આજે ગુરૂવારે (3 સપ્ટેમ્બરે) કહ્યું કે, ”જંતરમંતર ઉપર થયેલું આંદોલન દેશનું આંદોલન હતું. લોકોના કારણે આંદોલન સફળ થયું, પરંતુ આંદોલન પૂરું થયા પછી આ લોકોનો સોદો થઈ ગયો. દીપકેનું જૂથ ટીમ કેજરીવાલ બની ગયું છે.”

અમદાવાદના રહેવાસી મનીષ બ્રહ્મભટ્ટનો દાવો છે કે તેઓ CJP આંદોલન સાથે જોડાયેલા હતા. તેમણે દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓના આંદોલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ઘરે બેઠા બનાવી ટીમ – મનીષ બ્રહ્મભટ્ટ

મનીષ બ્રહ્મભટ્ટે કહ્યું કે, ”અભિજીત દીપકેએ ઘરે બેસીને જ 12 લોકોની ટીમ બનાવી લીધી છે. કોઈ વોલેન્ટિયર કે આંદોલન સાથે જોડાયેલા લોકોને બોલાવવામાં આવ્યા નહીં.

દીપકેની સજેપીમાં હોદ્દા માટેનું માપદંડ શું છે? તેવો પ્રશ્ન ઉઠાવીને તેમણે કહ્યું કે, વાસ્તવમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા આઠ લોકોને જોડી દેવામાં આવ્યા છે. જેમાં એક મહિલા મિત્ર છે, કોલેજના મિત્રને જોડી લીધા છે. અમે ઈચ્છતા હતા કે દરેક રાજ્યમાંથી પાંચ લોકોનું પ્રતિનિધિત્વ હોય. રાજા બનીને કોઈ નિર્ણય ન લેવાય.”

મનીષ બ્રહ્મભટ્ટે કહ્યું, ”…પરંતુ દીપકેએ અમારી વાત ધ્યાનમાં લીધી નહોતી અને મનસ્વી રીતે ટીમ બનાવી લીધી. આ ટીમ બનાવવાનો વિચાર પણ અરવિંદ કેજરીવાલનો જ હતો, કારણ કે તેઓ શરૂઆતથી જ દગાબાજ રહ્યા છે. જ્યારે અણ્ણા આંદોલન શરૂ થયું, ત્યારે તેમણે અણ્ણાનો ફાયદો ઉઠાવ્યો.”

કેજરીવાલે અભિજીત દીપકે સાથે ડીલ કરી – મનીષ બ્રહ્મભટ્ટ

તેમણે કહ્યું, ”અરવિંદ કેજરીવાલે પાર્ટી બનાવી ત્યારે કહ્યું હતું કે અમે જનતાની મરજીથી ઉમેદવારની પસંદગી કરીશું. અમે જનતાની મરજીથી સરકાર ચલાવીશું. સ્વરાજ લાવીશું. પછી સરકાર બની ગઈ તો તેમણે સ્વરાજ કાયદાને બાજુ પર મૂકી દીધો. કેન્દ્ર પર આક્ષેપ કરવા લાગ્યા કે પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી, તેથી સ્વરાજ કાયદો બનાવી શકતા નથી.”

મનીષ બ્રહ્મભટ્ટે કહ્યું, ફરીથી જે આંદોલન ઊભું થયું અને સફળતા મળી તેને અરવિંદ કેજરીવાલ હાઇજેક કરી રહ્યા છે. અભિજીત દીપકે સાથે ડીલ કરી છે. AAPના લોકોને એટલે જ સામેલ કરવામાં આવ્યા. કોઈ મુસ્લિમ કે સિખને પણ દીપકેએ તેની ટીમમાં સામેલ કર્યા નથી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular