Homeગુજરાતીદેશ-વિદેશજમ્મુ-કાશ્મીરના કુપવાડામાં હાઈબ્રિડ આતંકી ઝડપાયો, ટેરર મોડ્યુલનો પર્દાફાશ

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં હાઈબ્રિડ આતંકી ઝડપાયો, ટેરર મોડ્યુલનો પર્દાફાશ

શ્રીનગર, 10 સપ્ટેમ્બર 2026: જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળોએ એક પૂર્વ આતંકવાદી દ્વારા ચલાવવામાં આવી રહેલા ટેરર મોડ્યુલનો પર્દાફાશ કરીને એક હાઇબ્રિડ આતંકવાદીની ધરપકડ કરવામાં મોટી સફળતા મેળવી છે. હાંદવાડા પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી એક પૂર્વ આતંકવાદીની શંકાસ્પદ ગતિવિધિઓ વિશે મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરવામાં આવી હતી. આ શખ્સ પ્રતિબંધિત સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના એક મોડ્યુલના હિસ્સા તરીકે હાંદવાડા-કુપવાડા વિસ્તારમાં હાઇબ્રિડ આતંકી તરીકે સક્રિય હતો.

હાઇબ્રિડ આતંકવાદી એટલે એવો શખ્સ જેનું નામ સુરક્ષા એજન્સીઓની સક્રિય યાદીમાં નોંધાયેલું હોતું નથી, પરંતુ તે કટ્ટરપંથી વિચારસરણી ધરાવતો હોય છે. તે પોતાના હેન્ડલર દ્વારા સોંપવામાં આવેલા ચોક્કસ હિંસક કામને અંજામ આપીને ફરી પોતાની સામાન્ય જિંદગીમાં પાછો જતા રહે છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે ગુપ્ત માહિતી મળતા જ સુરક્ષાદળોએ ત્વરિત કાર્યવાહી કરતા હાંદવાડા શહેરમાં નિર્ધારિત સ્થળે ઓપરેશન પાર પાડ્યું હતું.

સુરક્ષા સંબંધી તમામ પ્રક્રિયાઓનું પાલન કરીને આતંકીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની ઓળખ હાંદવાડાના ક્રુહમુરા નિવાસી મંજૂર અહેમદ ભટ તરીકે થઈ છે. તપાસ દરમિયાન તેની પાસેથી એક ચાઈનીઝ પિસ્તોલ, બે મેગેઝિન અને પિસ્તોલના 16 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ મંજૂર ભટ એક પૂર્વ આતંકવાદી છે, જેને અગાઉ પણ બે અલગ-અલગ ગુનાહિત કેસોમાં ધરપકડ કરવામાં આવી ચૂકી છે. પોલીસે જણાવ્યું કે આરોપી સામે હાંદવાડા પોલીસ સ્ટેશનમાં નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ટેરર મોડ્યુલ, તેના ભૂગર્ભ નેટવર્ક અને તેની સાથે સંકળાયેલા અન્ય સાથીદારો વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવવા માટે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular